Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ખેડા જિલ્લાના કપડવંજમાં જળબંબાકાર : નીચાણવાળા વિસ્તારો અને ગરનાળા પાણીથી તરબોળ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખેડા જિલ્લામાં શુક્રવાર બાદ શનિવારે પણ વરસાદ પડવાનો ચાલુ રહ્યો હતો. જિલ્લાના ૧૦ તાલુકામાં સરેરાશ બે ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધારે કપડવંજમાં પાંચ ઈંચ ઉપરાંત વરસાદ થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. આ તરફ નડિયાદ શહેરમાં બે ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને ગરનાળા પાણીથી તરબોળ થઈ ગયા છે. છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થતા વાત્રક સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ખેડા જિલ્લામાં આજે ફરી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

આ સિવાય કપડવંજ, કઠલાલ, નડિયાદ, મહુધા અને ઠાસરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શુક્રવારે અનેક તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, ત્યારે શનિવારે પણ અનેક તાલુકાઓમાં સૂર્યદેવના દર્શન દુર્લભ થઈ ગયા હતા. આખો દિવસ વાદળોના ઘેરાવા વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ તરફ કપડવંજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ૬ થી ૮ વાગ્યાના બે કલાકના અરસામાં જ ૪ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. કઠલાલમાં સવારે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીના ૨ કલાકના સમયમાં પોણા બે ઈંચ વરસાદ થયો હતો.

વહેલી સવારે મોટાભાગના તાલુકાઓમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી. કપડવંજમાં પાંચ ઈંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો નડિયાદમાં ૨ ઈંચ વરસાદ પડતા આખો દિવસ અનેક નીચાણવાળા વિસ્તારો અને ચારેય ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. નડિયાદ શહેરમાં વરસેલા વરસાદના કારણે માઈ મંદિર, ખોડિયાર, શ્રેયસ અને વૈશાલી અન્ડરબ્રીજમા પાણી ભરાતા શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું હતું અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. નડિયાદ વાસીઓને પૂર્વથી પશ્ચિમ તરફ આવવાજવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડયો હતો. ઓગસ્ટ અંતમાં પુનઃ ખૂબ સારો વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.