Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિલ્હી હાઈકોર્ટે ફિક્સ ડિપોઝિટને લઈ લીધો એક મોટો નિર્ણય, જાણો શું છે આ નિર્ણય

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી હાઈકોર્ટે ફિક્સ ડિપોઝિટને લઈને એક મોટો નિર્ણય લીધો છે, જેને લઈને હવે બેંકો મનસ્વી રીતે FD પરવ્યાજ દર ઘટાડી શકશે નહીં. આ નિર્ણય અનુસાર બેંકોએ આવું કરવા માટે યોગ્ય અને માન્ય કારણ આપવું પડશે. દિલ્હી હાઈકોર્ટે આ નિર્ણય FD પર મળતા વ્યાજને લઈને આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ FD કોર્ટના આદેશ પર બનાવવામાં આવી હોય, તો બેંક તેના પર મળતા વ્યાજને પોતાની મરજીથી ઘટાડી શકે નહીં. વ્યાજ ઓછું કરવા માટે બેંક પાસે યોગ્ય કારણ હોવું જરૂરી છે. આ મામલો 5.89 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટનો છે. હીરો એક્સપોર્ટ્સ અને ટિફિન્સ બેરીટ્સ, એસ્બેસ્ટોસ એન્ડ પેઇન્ટ્સ લિમિટેડ વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન કોર્ટના આદેશથી આ FD બનાવવામાં આવી હતી.

જેને લઈને નાટવેસ્ટ માર્કેટ્સ PLCએ કોર્ટમાં અપીલ કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ મામલો બેંક દ્વારા મનસ્વી રીતે વ્યાજ દર ઘટાડવાનો છે. હીરો એક્સપોર્ટ્સ અને ટિફિન્સ બેરીટ્સ વચ્ચેના વિવાદના કારણે, જુલાઈ 2008માં હાઈકોર્ટે ટિફિન્સ બેરીટ્સના બેંક ખાતામાં રહેલા 8.5 કરોડ રૂપિયા સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. જેમાંથી 5.89 કરોડ રૂપિયા ABN એમ્બ્રો બેંકમાં હતા. બાદમાં આ બેંક રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ અને પછી નાટવેસ્ટ માર્કેટ્સ PLC બની ગઈ હતી. ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે, 5.89 કરોડ રૂપિયાને એવી FDમાં રાખવામાં આવે જેમાં તે સમયે ઉપલબ્ધ સૌથી વધુ વ્યાજ દર મળતો હોય. પરંતુ બાદમાં બેંકે પોતાની મરજીથી FD પરના વ્યાજ દરો ઘટાડી દીધા હતા.

શરૂઆતમાં આ FD પર 7.75 ટકા, ત્યારબાદ 8.25 ટકા અને ફરીથી 7.75 ટકા વ્યાજ મળતું રહ્યું. પરંતુ 30 જાન્યુઆરી 2018થી બેંકે વ્યાજ દર ઘટાડીને 3.5 ટકા કરી દીધો. હીરો એક્સપોર્ટ્સ દ્વારા વ્યાજ દરમાં કરાયેલા આ ઘટાડાનો વિરોધ કરવામાં આવ્યો અને કોર્ટમાં મામલો ઉઠાવવામાં આવ્યો. ત્યારબાદ મે 2019માં હાઈકોર્ટના સિંગલ જજની બેંચે બેંકને આખી રકમ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે જમા કરાવવાનો આદેશ આપ્યો. સાથે જ કોર્ટે કહ્યું કે 30 જાન્યુઆરી 2018થી મળતા વ્યાજની ગણતરી છેલ્લા ત્રણ વર્ષમાં લાગુ રહેલા સરેરાશ વ્યાજ દરના આધારે કરવામાં આવે.

ત્યારબાદ નાટવેસ્ટે આ ચુકાદાને હાઈકોર્ટની બે જજોની બેંચ સમક્ષ પડકાર્યો હતો. નાટવેસ્ટે પોતાની સ્પષ્ટતા આપતાં કહ્યું કે, RBIના નિયમો હેઠળ કોમર્શિયલ બેંકોને ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ એટલે કે FD ના વ્યાજ દર નક્કી કરવાની સ્વતંત્રતા છે. બેંકે એવું પણ કહ્યું કે જો FDની મુદત પૂરી થઈ જાય અને તેને ફરીથી લંબાવવામાં ન આવે, તો તે પછી તે રકમ પર સેવિંગ્સ એકાઉન્ટનો વ્યાજ દર મળી શકે છે. પરંતુ હાઈકોર્ટે બેંકની આ દલીલો સ્વીકારી ન હતી. જ્યારે આ મામલો બે જજોની બેંચ સમક્ષ આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, સિંગલ જજના નિર્ણયમાં કોઈ કાનૂની કે તથ્યાત્મક ભૂલ નથી. આ જ આધારે જસ્ટિસ અવનીશ ઝિંગન અને જસ્ટિસ શૈલ જૈનની બેંચે નાટવેસ્ટની અપીલ ફગાવી દીધી હતી. કોર્ટે બેંકને નિર્દેશ આપ્યો હતો કે 5.89 કરોડ રૂપિયાની FD પર વધુ વ્યાજ આપવું પડશે.(સૌજન્ય)