આ વર્ષે ઓછા ચોમાસા અને અલ નીનોની અસરને પગલે મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં પાણીની અછતની સ્થિતિ સર્જાવાની શક્યતા વચ્ચે રાજ્ય સરકારે ૧૬ ઓક્ટોબરથી તમામ શહેરો અને ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓમાં ઓછામાં ઓછો ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ગત ૧૬મી મેથી ઓલરેડી ૧૦ ટકા પાણી કાપ અમલમાં છે અને આ વખતે જળાશયો પૂરતાં નહીં ભરાયાં હોવાથી આવતાં ચોમાસા સુધી આ પાણી કાપ ચાલુ રહેવાનો છે.
રાજ્ય સરકારે ઓછામાં ઓછો દસ ટકા પાણી કાપ લાદવાની જાહેરાત કરી છે મતલબ કે જુદાં જુદાં શહેરોમાં પાણી પુરવઠાની સ્થિતિ પ્રમાણે પાણીકાપ આનાથી વધી પણ શકે છે. રાજ્ય સરકાર ૨૬૫ તાલુકાઓમાં દુકાળની જાહેરાત કરી ચૂકી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે પાણીની ખેંચની સ્થિતિ સર્જાઈ છે. પાણીનો જથ્થો પર્યાપ્ત નહિ હોવાથી ડેમ, નદી અને નહેરોમાંથી પાણીના ગેરકાયદે ઉપાડ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
જળસંપદા વિભાગ મહેસૂલ અને પોલીસ વિભાગ સાથે મળીને સંયુક્ત ટીમો દ્વારા પેટ્રોલિંગ કરશે અને ગેરકાયદે પંપ તથા અન્ય સાધનો જપ્ત કરવામાં આવશે તેવી પણ ચેતવણી અપાઈ છે. રાજ્યના જળસંપદા મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું કે, ૩૧ઓગસ્ટ, ૨૦૨૭ સુધીના પાણીના જથ્થાનું જળાશયો, ડેમમાંથી ઉપયોગવાર આયોજન કરવામાં આવ્યું છે. પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવા સાથે પાણીના લીકેજને અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો આદેશ અપાયો છે. ગટર શુદ્ધિકરણ પ્લાન્ટને સંપૂર્ણ ક્ષમતાથી ચલાવીને શુદ્ધ કરાયેલા પાણીનો ઉપયોગ બાગકામ, બાંધકામ અને ધોવા સહિતનાં કામોમાં કરવાની સૂચના આપવામાં આવી છે.
ઉદ્યોગોએ વપરાતા ઓછામાં ઓછા ૩૦ ટકા પાણીનો પુનઃઉપયોગ અથવા રિસાયકલ કરવો પડશે. દરેક ડેમમાં દસ ટકા વધારાનો ઇમરજન્સી બફર જથ્થો જાળવવામાં આવશે. બાષ્પીભવન, કાંપ અને પાણીના ગેરકાયદે ઉપાડને ધ્યાનમાં લીધા બાદ પણ ૩૧ઓગસ્ટ, ૨૦૨૭ સુધી પીવાના પાણીનો જથ્થો સુરક્ષિત રાખવાની યોજના છે. પીવાના પાણી ઉપરાંત પશુધન અને ઘાસચારાની જરૃરિયાતને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ જ સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. રવિ પાકોમાં અનાજ અને ઘાસચારાને પ્રથમ પ્રાધાન્ય મળશે. અન્ય રવિ પાકોને ત્યારબાદ પાણી આપવામાં આવશે, જ્યારે બારમાસી પાકોને પાણી ઉપલબ્ધ હોય તો જ મંજૂરી આપવામાં આવશે.(સૌજન્ય)




