સુરત શહેરના જહાંગીરપુરા ખાતે ૧૯ વર્ષીય યુવતીએ બિલ્ડીંગના ચોથા માળેથી નીચે ભુસ્કો મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીએ વાતચીત કરવાનું બંધ કરી દેતા પ્રેમીએ અને તેનો મિત્ર સાથે ઘરે જઈને તેને મારીને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી હોવાથી ટેન્શનમાં આ પગલુ ભર્યુ હતુ. સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, જહાંગીરપુરા ખાતે એસ.એમ.સી આવાસમાં રહેતી ૧૯ વર્ષીય રૂકસાના મોહમંદ હનીફ ખાન શુક્રવારે મોડી સાંજે આવાસના ચોથા માળે અગાસીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઇજાથી ઘટના સ્થળે જ મોત થયું હતું.
મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડાયા બાદ જહાંગીરપુરા પોલીસે જણાવ્યું હતું કે, રૂકસાના અને લીંબાયત સંજયનગર રહેતો અસલમ અલીની ઘણા સમય પહેલા પ્રસંગમાં મુલાકાત થયા બાદ પ્રેમસબંધ બંધાયો હતો. નવેક મહિનાથી બને વચ્ચે ફોન ઉપર વાચચીત પણ થતી હતી. દરમિયાન રૂકસનાએ છેલ્લા દોઢેક માસથી અસલમ સાથે વાત કરવાનું બંધ કરતા બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. ગુરુવારે અસલમ તેના મિત્ર સાતે રૂકસાના ઘરે ગયો હતો અને ધમાલ મચાવી હતી. તેમજ ગાળાગાળી કરી ઢીક્કમુક્કીથી મારી જાનથી મારવાની ધમકી આપી હતી. તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જતો રહ્યો હતો. રૂકસાનાએ પરિવારજનો સાથે જહાંગીરપુરા પોલીસ મથકમાં અસલમ અને તેના અજાણયા મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં વિડીયો વાયરલ થવાના ટેન્શનમાં ઘરે આવીને ચોથા માળેથી ઝંપલાવી દીધું હતું. તે ઘરકામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતી હતી. તેના બે ભાઇ છે. બનાવ અંગે પોલીસે અસલમ અને તેના મિત્ર વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો.




