અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે રેડ સી શિપિંગ પર થયેલા હુમલાના જવાબમાં યમનના ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો વિરુદ્ધ વ્યાપક સૈન્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો જેના બાદ અમેરિકાની એરફોર્સ હૂથીઓ પર તૂટી પડતાં લગભગ 19 બળવાખોરોના મોત નીપજ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે આ સાથે ચેતવણી ઉચ્ચારી હતી કે જો હૂથી બળવાખોરો હુમલા ચાલુ રાખશે તો તેમનું જીવન નરક સમાન બનાવી દઈશું. 
ઈરાનને પણ ચેતવતાં ટ્રમ્પે કહ્યું કે તમે પણ હૂથીઓનું સમર્થન બંધ કરો. જો ઈરાન અમેરિકાને ધમકાવશે તો પછી અમે કોઈ નરમ વલણ અપનાવવાના નથી. ટ્રમ્પે કહ્યું કે મેં જ આ હવાઈ હુમલા કરવાનો આદેશ આપ્યો હતો. ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો જ્યાં સુધી દરિયાઈ માર્ગમાં જહાજો પર હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી આક્રમક હુમલા ચાલુ રખાશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે અમારા બહાદુર યુદ્ધ વિમાનો હાલમાં અમેરિકન શિપિંગ, વાયુ અને નૌસેનાની સંપત્તિઓની સુરક્ષા કરવા અને નૌકાવહનની સ્વતંત્રતાને બહાલ કરવા માટે આતંકીઓના ઠેકાણા, નેતાઓ અને મિસાઈલ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહ્યા છે. હવે તેઓ અમને નહીં રોકી શકે.



