ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નગરની પાણી સમસ્યા બાબતે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઇ પટેલે બોરખલ ડેમ, અને દેવીનામાળ પાણી પુરવઠા જુથ યોજનાની આકસ્મિક સ્થળ મુલાકાત લઇ પાણી સમસ્યા હલ કરવા અંગે અધિકારીશ્રીઓને સુચનો કર્યાં હતાં. આહવા નગરમાં હાલ ભીસ્યા ડેમ, નીલશાક્યા ડેમ અને દેવીનામાળ ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવી રહેલ છે. પરંતુ ઉનાળામાં ડેમમાં પાણી ખુટી જવાથી પાણી સમસ્યા ઉદભવે છે.
જે સમસ્યા નિરાકરણ માટે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે બોરવેલ શાખાને જણાવેલ હતું અને જે મુજબ દેવીનામાળ ડેમની આજુબાજુ પાણીનો સ્ત્રોત શોધી ત્રણ બોરની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
જેને હયાત પાઇપલાઇનમાં જોડી આહવાને પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે રૂબરૂ આ પાણી વ્યવસ્થાની સ્થળ મુલાકાત કરી હતી. આ સાથે જ છાપાઓમાં પ્રસિધ્ધ થયેલ અખબારી અહેવાલો બાદ બોરખલ ખાતે દમણગંગા વિભાગના ડેમની પણ મુલાકાત લઇ ગુણવત્તા સભર કામગીરી કરવા સાથે લક્ષીત લાભાર્થીના હેક્ટર વિસ્તારને પાણી પહોચેં તેવી વ્યવસ્થા કરવા અધિકારોને સુચનો કર્યાં હતા. બોરખલ ખાતે દમણગંગા વિભાગ દ્વારા બનાવવામાં આવી રહેલ ડેમની લંબાઇ ૬૫ મીટર છે. અને ઊંચાઇ ત્રણ મીટર છે.
આ ડેમ થી ૪૩ હેક્ટર વિસ્તારમાં લાભ થશે. ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વસતા પ્રજાજનોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સતત ચિંતિત અને પ્રયાસરત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉદ્દેશની પૂર્તિમાં જો કોઈ અધિકારી કે ઈજારદારની બેદરકારી બહાર આવશે તો તે સાંખી નહિ લેવાય, તેમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું. આ સાથે જ પાણી જેવા પ્રાણ પ્રશ્ને પાણી પુરવઠા, વાસ્મો, યાંત્રિક વિભાગ, સિંચાઈ જેવા વિભાગોના અધિકારીઓએ સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કેળવી, પાણીના વ્યય સામે પણ સાવચેતી કેળવવાની સૂચના આપી હતી. પાણીના એક એક ટીપાનો સદઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા સાથે પાઈપ લાઈનોના ભંગાણો, સંબંધિત ઈજારદાર સાથે મળી સત્વરે દૂરસ્ત કરવાની દરકાર લેવા પણ નાયબ મુખ્ય દંડકશ્રીએ સૂચના આપી હતી.




