દમણના એરપોર્ટ રોડ પાસે આવેલ પોલીસ હેડક્વોર્ટસ નજીક ધ એડ્રેસ નામની પોશ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના બંગલો નં.આર.એચ. ૮૩ ડી ૨માં રવિવારે સાંજે IPL પર સટ્ટો રમાઈ રહ્યાની બાતમી ડેપ્યુટી કલેક્ટરને ખાનગી રાહે મળી હતી. જે બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે સ્થળ પર રેઈડ કરી હતી. આ સમયે બંગલો અંદરથી બંધ હતો. 
જોકે, યેનકેન પ્રકારે પોલીસે બંગલાનો દરવાજો ખોલાવતા અંદર હાજર એક વ્યક્તિ હાય ઈન્ટરનેટ કનેકશન થકી IPL ઉપર સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે બંગલાની અંદર જરૂરી તપાસ કરી સટોડિયાની પૂછપરછ હાથ ધરી હતી. સાથે બંગલાની બહાર પાર્ક કરેલી એક રાજસ્થાન પાર્સિંગની એક કારની પણ તપાસ કરી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી સટ્ટો ચલાવનાર સહિત ૩ની અટકાયત કરાઈ હતી. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે પોલીસે બંગલામાંથી ૮ જેટલા લેપટોપ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતો. જોકે બંગલામાં સટ્ટો રમાઈ રહ્યો હતો. તે બંગલો મુંબઈની કોઈ મહિલાનો હોવાનું અને પુનિત ચૌહાણ નામના વ્યક્તિને મહિને ૨૪,૫૦૦/ના ભાડા પેટે તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૪થી આપ્યો હતો. જયારે પોલીસ હેડ ક્વોટર્સ નજીક જ IPL પર સટ્ટો ચલાવાઈ રહ્યો હતો.



