પારડી તાલુકાનાં રેટલાવ ગામમાં રવિવારે સાંજે ૫૫ વર્ષીય કંદોઈભાઈ પ્રકાશભાઈ મારવાડી નામના આ વ્યક્તિ રેટલાવથી ઉદવાડા જતા રોડની બાજુમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, પારડી પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર સનભાઈ દ્વારા કરાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ રવિવારે તેના પિતા કંદોઈભાઈ પ્રકાશભાઈ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે રેટલાવ તાપી કોમ્પલેક્ષ પાસે રોડની બાજુમાં પડી ગયાની સૂચના મળી હતી. 
ત્યારબાદ સનીભાઈ અને તેમના ફુવા નરેશભાઈ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કંદોઈભાઈ રોડની બાજુમાં સૂતેલી હાલતમાં હતા અને તેમને ઉઠાડવાના પ્રયત્ન વિફળ રહ્યા હતા. અંતે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને તેના ડોક્ટરે કંદોઈભાઈને મૃત જાહેર કર્યા હતા. સનીભાઈએ જણાવ્યું હતું કે, તેમના પિતા દારૂ પીવાની આદત ધરાવતા હતા અને તેમની તબિયત સારી રહેતી ન હતી. તેમનું માનવું છે કે, તેમના પિતાની તબિયત અચાનક બગડતા તેમનું મૃત્યુ થયું હશે. તેમણે આ મામલે કોઈ પણ વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી નથી. ઘટના અંગે પોલીસે અકસ્માત મોત અંગેનો કેસ નોંધી મૃતદેહને પીએમ માટે ઓરવાડ સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો.



