સોનગઢમાં ગેરકાદેસર ચલાવતા ઈંટ ભઠ્ઠાના માલિકો સામે એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભઠ્ઠાના સંચાલકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ ત્રણ ઈંટ ભઠ્ઠાના માલિકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, તાપી એસઓજી પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંટોનો ધંધો કરતા ઈસમોને ચેક કરવા સારું પેટ્રોલીગમાં નીકળ્યા હતા. 
દરમિયાન (૧) રાજુભાઈ સોમાભાઈ કુંમ્ભારના ઈંટના ભઠ્ઠા પરથી આઠ જેટલા મજુરો (૨) પ્રવીણભાઈ પીતામ્બરભાઈ કુંમ્ભારના ઈંટના ભઠ્ઠા પરથી છ જેટલા મજુરો અને (૩) ધર્મરાજભાઈ શાંતારામભાઈ કુંમ્ભારના ઈંટના ભઠ્ઠા પરથી છ જેટલા મજૂરો મળી કુલ ૨૦ જેટલા મજૂરોની રોજેરોજની માહિતી નોંધ કરવા બાબતેનુ નિયત નમુના મુજબનું રજીસ્ટર નિભાવ્યું નહતું તેમજ કામ કરતા મજૂર ઇસમોની ફોટા સહીત બાયોડેટા અને આઇ.ડી. પ્રુફ વિગતો નજીકનાં પોલીસ સ્ટેશનમાં તેમજ મામલતદાર કચેરીમાં આપી નહતી. આ મામલે એસઓજી પોલીસે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાના ભંગ કરવા બદલ ત્રણેય ઈંટ ભઠ્ઠાના માલિકો સામે સોનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



