પહેલાગમમાં થયેલા ત્રાસવાદી હુમલા અને ઓપરેશન સિંદૂરની પાશ્ચદભૂમાં હવાઈદળના અધિકારીનો યુનિફોર્મ પહેરી અને ફાઇટર જેટ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર હવાઈદળના એક બનાવટી અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. સાઉથ કમાન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ અને પુણેના ખરાડી પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી આરોપી ગૌરવકુમાર દિનેશકુમાર ના ઘર પર છાપો માર્યો હતો અને તેની ધરપકડ કરી હતી. ગૌરવકુમાર ખરાડી ખાતે આવેલ સ્ટેબર્ડ નામની હોટેલમાં કામ કરતો હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું. પોલીસે પચ્ચીસ વર્ષીય ગૌરવકુમારના ઘરની ઝડતી લેતા એરફોર્સના બે ટી-શર્ટ, એક આર્મી કોમ્બેટ પેન્ટ, એરફોર્સ શૂઝ, બે બેજીસ, એરફોર્સના ટ્રેક સૂટની જર્કીન જેવી વસ્તુઓ મળી આવી હતી. 
આ બાબતે પોલીસ હવાલદાર રામદાસ ભોનાજી પાલવેએ ખરાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હોટેલમાં કામ કરતો એક યુવાન એરફોર્સનો ડ્રેસ પહેરી ખરાડીમાં ફરી રહ્યો હોવાની અને આ યુવાન સોશિયલ મીડિયામાં પણ પોતાની ખોટી ઓળખ આપી લોકોને ગેરમાર્ગે દોરતો હોવાની જાણ સાઉથ કમાન્ડના મિલિટરી ઇન્ટેલિજન્સને થઈ હતી. આ બાબતની જાણ મિલિટરી ઇન્ટેલિજન્સે ખરાડી પોલીસને કર્યા બાદ પોલીસે તેના ઘર પર છાપો માર્યો હતો. ત્યારે આ બનાવટી અધિકારીના ઘરેથી એરફોર્સ સંબંધિત વસ્તુઓ મળી આવી હતી. આ ઉપરાંત ગૌરવકુમારના મોબાઇલમાંથી વિવિધ ફાઇટર પ્લેન સાથેના ફોટાઓ, ઠેકાણે કાઢવામાં આવેલા ફોટાઓ પણ મળી આવ્યા હતા. ગૌરવકુમાર છેલ્લા એક વર્ષથી પુણેમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. તેના પાસેથી ૨૦૨૦નું એક આઇકાર્ડ પણ મળી આવ્યું છે. ગૌરવકુમારે આ બધુ શા માટે કર્યું? આ પાછળનો તેનો આશય શું હતો? તેની તપાસ વરિષ્ઠ અધિકારીઓએ શરૂ કરી છે. પોલીસે તેની સામે બીએનએલની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



