સુરત જિલ્લાનાં કીમ નજીક કુડસદ રોડ પર આવેલ પરાઠા હાઉસ નામની હોટલમાં નજીવી બાબતે એક ગ્રાહકે ઉશ્કેરાઈ જઈ હોટલમાં તોડફોડ મચાવી હતી. એટલું જ નહીં તેણે હોટલના માલિકને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે બાદ સમગ્ર મામલે કીમ પોલીસ મથકે ગુનો નોંઘાયો હતો. મળતી માહિતી મુજબ, કુડસદ ગામની સીમમાં આવેલ મુન્ના એજન્સીની બાજુમાં પરોઠા હાઉસ નામની હોટલ આવી છે. જેનું સંચાલન અજીત શંભુસિંગ કરે છે. 
તેઓ હોટલ પર હાજર હતા. જે દરમિયાન તેમની હોટલ પર આવેલા ગ્રાહકે પરાઠા કાચા હોવાનું જણાવતા અજીતભાઈએ પરાઠા બદલી આપવા તૈયારી બતાવી હતી. પરંતુ ગ્રાહકે નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ અજીતભાઈ સાથે ઝપાઝપી કરી હતી. સાથે જ તેણે અજીતભાઈને જણાવ્યું હતુ કે, તું મને ઓળખતો નથી, તારી હોટલ બંધ કરાવી દઈશ. સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઇસમે હોટલમાં મુકેલ પાંચ હજારની કિંમતનુ ટી.વી., કાચ, અને પંખો મળી કુલ ૮ હજારનો સામાન તોડી નાંખી નુકસાન પહોંચાડયું હતુ. હોટલમાં તોડફોડ કર્યા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ઘટના બાદ હોટલના માલિક અજીતભાઈએ સમગ્ર ઘટનાં અંગે કીમ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આમ, પોલીસે ભુપત ભરવાડ (રહે.આશિયાના નગર, કીમ)ની સામે હાલ પોલીસે ગુનો નોંધ્યો હતો.



