ભરૂચનાં વાગરા બજાર વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનમાં દિન દહાળે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. સોનીની આંખોમાં મરચાની ભુકી છાંટી સોનાના દાગીના ઉઠાવી લુંટારૂ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે વાગરા પોલીસે સ્થળ પર જઈ સીસીટીવીના ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, બપોરના લગભગ ૧.૧૩ વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનાની દુકાનમાં બુકાની ધારણ કરીને એક ઈસમ આવ્યો હતો. તેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી દાગીનાની ઉઠાંતરી કરી સોનીની આંખોમાં મરચું પાડવર છાંટીને ફરાર થઈ ગયો હતો. અંદાજીત ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ લુંટારું ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યુ છે.
ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલ લુંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચી જવા સાથે લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ મથકના પીઆઈ, ભરૂચ એલસીબી, જંબુસર ડિવિઝનના ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા. સોનીની દુકાનમાં લુંટને અંજામ આપનાર લુટારું જે સીસીટીવીમાં નજર પડે છે તેવો જ પહેરવેશ ધારણ કરેલ ઈસમ જુમ્મા મસ્જીદના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો. જોકે પોલીસે નાકાબંધી કરી જરૂરી તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવા સાથે તપાસનો દોર શરૂ કર્યો હતો.




