ખેડા જિલ્લાનાં કાલોલ પોલીસ મથક વિસ્તારનાં અંબાલા ખાતે નર્મદા કેનાલ પાસે પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ગત તારીખ ૨૭-૧-૨૨ નાંરોજ કાલોલ પોલીસ વિસ્તારની હદમાં અંબાલા ગામની સીમમાં આવેલી નર્મદા મુખ્ય કેનાલ પાસે ઝાડી ઝાંખરામાંથી બિનવારસી અને સળી ગયેલ હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.
મૃતક યુવતીના લાશની પોલીસે કરેલી જાહેરાતને આધારે તે લાશ ડેસર તાલુકાના અંદરખીયા ગામની દક્ષાબેન રમણભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫)ની હતી. 
તારીખ ૨૩ નારોજ અંદરખીયા જવા માટે બસમાં બેસી નીકળી હતી. પરંતુ તે વડોદરાથી નીકળ્યાના પાંચ દિવસ પછી અંબાલા સ્થિત નર્મદા કેનાલ પાસેથી તેની લાશ મળી આવી હતી. પરિવારજનોએ દક્ષાએ કરેલા રજીસ્ટર મેરેજ મુજબ તેના પતિ સંજય ઉર્ફે ચીચીયો નરવતભાઈ પરમાર (ઉ.વ.૩૨., હાલ રહે.કાંકણપુર, તળપદ ફળીયુ, તા.ગોધરા) અને (મૂળ રહે.સાંગોલ, તા.ગળતેશ્વર, જી.ખેડા) સામે શંકા જતાં સંજય પરમાર સામે ફરિયાદ નોંધાવતા કાલોલ પોલીસે ૩૧-૧-૨૨ નારોજ સંજય પરમારની અટકાયત કરી હતી. હાલોલ સ્થિત એડીશનલ સેશન્સની ત્રીજી કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી પતિ સંજયભાઈ ઉર્ફે ચીચીયો નરવતભાઈ પરમારે પત્નીની હત્યા કરી હોવાના ગુનામા કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી રૂપિયા ૨૫ હજારનો દંડ કર્યો હતો.




