નવી દિલ્હી: કફ સિરપ અને આલ્કોહોલયુક્ત ટોનિકનો નશા તરીકે વધી રહેલા દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારો કરીને વધુ આલ્કોહોલનું પ્રમાણ ધરાવતી કેટલીક ઓરલ (પીવાની) દવાઓને હવે ‘શેડ્યૂલ H1’ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી છે. પરિણામે આવી દવાઓ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર પરથી વેચી શકાશે નહીં.
નવા નિયમો મુજબ, જે ઓરલ લિક્વિડ દવાઓ 30 મિલીલીટરથી મોટા પેકમાં ઉપલબ્ધ હોય અને જેમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 12 ટકાથી વધુ હોય, તે તમામ દવાઓ હવે શેડ્યૂલ H1 હેઠળ આવશે. આ શ્રેણીમાં પહેલાથી જ ઊંઘની ગોળીઓ, શક્તિશાળી પેઇનકિલર્સ અને દુરુપયોગની સંભાવના ધરાવતી અન્ય સંવેદનશીલ દવાઓનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે શેડ્યૂલ Kમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ કેટલીક દવાઓને વેચાણ અને નિયમન સંબંધિત મળતી વિશેષ છૂટ હવે 30 મિલીલીટરથી મોટી અને 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી ઓરલ દવાઓ માટે લાગુ રહેશે નહીં. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ઉત્પાદનથી લઈને રિટેલ વેચાણ સુધી સમગ્ર સપ્લાય ચેઇન પર અસરકારક દેખરેખ રાખવાનો છે.
હવે શું બદલાશે? : નવા નિયમો અમલમાં આવ્યા બાદ આવી દવાઓ માત્ર માન્ય ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે જ વેચી શકાશે. મેડિકલ સ્ટોર સંચાલકોને વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ જાળવવો પડશે અને દવાની બોટલ પર જરૂરી ચેતવણી દર્શાવતું લેબલ લગાવવું પણ ફરજિયાત રહેશે.
ડ્રાફ્ટ પર કોઈ વાંધો નોંધાયો નહોતો : આ નિયમનો ડ્રાફ્ટ કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2025માં જાહેર કરીને 30 દિવસ સુધી જનતા પાસેથી સૂચનો અને વાંધા મંગાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કોઈ વાંધો પ્રાપ્ત ન થતાં તથા ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ સરકારે હવે આ સુધારાને સત્તાવાર રીતે અમલમાં મૂક્યો છે.સરકારનું માનવું છે કે આ નિર્ણયથી કફ સિરપ અને આલ્કોહોલયુક્ત ટોનિકના નશા તરીકે થતા દુરુપયોગને રોકવામાં મદદ મળશે અને દવાઓના જવાબદાર ઉપયોગને વધુ પ્રોત્સાહન મળશે.




