બેલગાવી: અયોધ્યાના શ્રી રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાન અને ચઢાવાની કથિત ગેરરીતિના મામલા બાદ દેશભરમાં મંદિરોની સુરક્ષા અને પારદર્શિતા અંગે ચર્ચા તેજ બની છે. આ ઘટનામાંથી પાઠ લઈને કર્ણાટક સરકારે રાજ્યના તમામ સરકારી મંદિરોમાં દાન પાત્ર અને રોકડ રકમની ગણતરીની પ્રક્રિયા પર સતત CCTV દેખરેખ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર એ બેલગાવીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળ આવતા મુખ્ય મંદિરોના ગર્ભગૃહ, દાન પાત્ર તેમજ જ્યાં રોકડ રકમની ગણતરી થાય છે તે તમામ સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે શહેરોના ટ્રાફિક કંટ્રોલ રૂમની જેમ આ કેમેરાઓનું સીધું જોડાણ જિલ્લા કક્ષાના પોલીસ અધિક્ષક (SP), જિલ્લા કલેક્ટર અથવા તાલુકા સ્તરના ઉચ્ચ અધિકારીઓની કચેરી સાથે કરવામાં આવશે. આ વ્યવસ્થાથી 24 કલાક દાન સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી શકાશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિને સમયસર રોકી શકાશે.
બીજી તરફ, અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર માં દાનની કથિત ગેરરીતિના મામલે તપાસ વધુ તેજ બની છે. ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના કેટલાક કર્મચારીઓની ભૂમિકા શંકાના દાયરામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સંબંધિત કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે. ઉપરાંત, રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાની પણ પૂછપરછ થઈ શકે તેવી માહિતી સામે આવી છે.કર્ણાટક સરકારનો આ નિર્ણય મંદિરોમાં દાન વ્યવસ્થાને વધુ સુરક્ષિત, પારદર્શક અને જવાબદાર બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, અયોધ્યા મામલે તપાસ હજુ ચાલુ હોવાથી અંતિમ સત્ય તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.




