સુરતના અમરોલીના નોકરિયાત આધેડ પાંડેસરા જીઆઈડીસી ખાતે સ્કૂટર ઊભું રાખીને ચાલુ વરસાદમાં રેઇનકોટ પહેરી રહ્યા હતા. દરમિયાન ખાનગી કંપનીની દીવાલ તેના પર પડતા ગંભીર ઈજાને પગલે આધેડનું લાંબી સારવારમાં મોત થયું હતું.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ નડિયાદના વતની અને અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ રોડ પરના સ્ટાર હોમ્સમાં રહેતા ૫૮ વર્ષીય ચીનુભાઈ જશુભાઈ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરી બે પુત્ર ચીનુભાઇ ગત તા. ૩ ઓગસ્ટના રોજ સવારે પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી ખાનગી કંપની પાસે પોતાનું સ્કૂટર ઊભું રાખી ચાલુ વરસાદમાં રેઈનકોટ પહેરતા હતા. તે સમયે ખાનગી કંપનીની પાછળથી દીવાલ ચીનુભાઈ ઉપર પડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આઠ દિવસની લાંબી સારવારમાં રવિવારે બપોરે ચીનુભાઈનું મોત નીપજ્યું હતું. પરિવારે પોલીસને જાણ કરાતા પાંડેસરા પોલીસે વધુની તપાસ હાથ ધરી છે.



