સુરત શહેરના પરવટ પાટિયાના વેપારીને રૂ. ૩૨.૮૬ લાખનો ચૂનો ચોપડવાના કેસમાં ઈકો સેલે અમદાવાદના ૩ પૈકી એક કાપડ વેપારીની ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે પરવટ પાટિયા ખાતે સોનલ રેસિડન્સીમાં રહેતા ગોપાલભાઈ કૈલાસચંદ્ર રાઠી સારોલી સ્થિત રાજ ટેક્સ્ટાઇલ ટાવરમાં રોનક ટ્રેન્ડ્ઝના નામથી કાપડનો વેપાર કરે છે. ઓગસ્ટ ૨૦૨૪માં અમદાવાદની નવ્યા એજન્સીના માલિક મોહિત ફૂલવાનીએ તેમની દુકાને જઈ પોતાની ઓળખ કાપડ દલાલ તરીકે આપી હતી.
અમદાવાદની પાર્ટીઓ સાથે બિઝનેસ કરવાનું કહી સમયસર પેમેન્ટ ચૂકવી દેવાની પણ ખાતરી આપી હતી. અમદાવાદની ૩ પાર્ટીઓને ફિનિશ્ડ કાપડનો માલ ઉધારીમાં વેચ્યો હતો. જેનું પેમેન્ટ ચૂકવવાને બદલે હાથ ઊંચા કરી દેવાયા હતા. આખરે મામલો ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં પહોંચ્યો હતો. ઈકો સેલે કે.નવ્યા એજન્સીના માલિક મોહિત કનૈયાલાલ ફૂલવાની (ન્યૂ એલ.કે.ટ્રસ્ટ બિલ્ડિંગ, બીબીસી માર્કેટ, કાલપુર, અમદાવાદ), એસવીપી ટેક્સ્ટાઇલના માલિક જયદીપ સોની (સુમુલ બિઝનેસ, અમદાવાદ), એસવીએસ ટેક્સ્ટાઈલના માલિક બ્રિજેશ મકવાણા (સુમુલ બિઝનેસ પાર્ક, અમદાવાદ) અને વેદિકા ક્રિએશનના માલિક ગૌરવ મકવાણા (મધુરમ એસ્ટેટ, નિકોલ, અમદાવાદ) સામે રૂ. ૩૨.૮૬ લાખની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. જે પૈકી ગૌરવ મહેશ મકવાણા (રહે. સુદર્શન બંગ્લો, નરોડા, અમદાવાદ)ની ધરપકડ કરી હતી.



