Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉકાઈ ડેમની સપાટી 334.83 ફૂટે પહોંચી : ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તારીખ 20મી ઓગસ્ટ નારોજ રાત્રે 9:30 કલાકે મળતી વિગતો પ્રમાણે ઉકાઈ ડેમમાં હાલ 1,40,070 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઉકાઈ ડેમના 2 દરવાજા 8 ફૂટ અને 7 દરવાજા 7 ફૂટ ખોલીને ડેમમાંથી 1,25,654 ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી હાલ 334.83 ફૂટે પહોંચી છે, જે તેની ભયજનક સપાટીની નજીક છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીના નવા નીર આવ્યા છે. જેને લઈને નદી કિનારાના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાનો ભય છે. તંત્રએ સ્થાનિક લોકોને અને માછીમારોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત, સુરત સહિતના નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ વરસાદી માહોલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક એ ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે, કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને પીવાના પાણી માટે થઈ શકશે.ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા આગામી દિવસોમાં પણ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડશે તો વધુ દરવાજા ખોલવા માટે તૈયાર છે. આ પાણી છોડવાથી નદીના પ્રવાહમાં વધારો થશે, તેથી લોકોને સાવચેતી રાખવાની અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ ડેમ તાપી જિલ્લા અને સુરત શહેર માટે જીવાદોરી સમાન છે અને તેમાં પાણીની આવક થવાથી જળ સંકટનો ભય ટળ્યો છે.

પ્રકાશા ડેમની સ્થિતિ પર એક નજર : પ્રકાશા ડેમના 12 દરવાજા સંપૂર્ણ ખોલીને 1.50 લાખ કયુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે, ડેમની હાલની સપાટી 107.80 મીટર પર પહોંચી છે.

હથનુર ડેમની સ્થિતિ પર એક નજર : ડેમની સપાટી 210.960 મીટર પર પહોંચી છે, જેના કારણે હથનુર ડેમના 18 દરવાજા સંપૂર્ણપણે ખોલીને ડેમ માંથી 96 હજાર કયુસેક જેટલો પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.