દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તાજેતરમાં સવારે જાહેર સુનાવણી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીને સ્થળ પરથી પકડી લીધો હતો. હવે પોલીસે આ કેસમાં બીજી ધરપકડ કરી છે. બીજી ધરપકડ બાદ આ કેસમાં મોટો ખુલાસો થયો છે અને તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર છરીથી હુમલો કરવાની યોજના બનાવી હતી. જોકે, આ હુમલામાં રેખા ગુપ્તાને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને આરોપી રાજેશના મિત્ર તહસીનની ધરપકડ કરી છે. તહસીનને રાજકોટથી પકડીને પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રાજેશ સતત તહસીનના સંપર્કમાં હતો અને તેણે રાજેશને મદદ કરવા માટે પૈસા પણ મોકલ્યા હતા.
માહિતી મુજબ, મુખ્યમંત્રી નિવાસસ્થાન પહોંચતા પહેલા રાજેશ સુપ્રીમ કોર્ટ પણ ગયો હતો, પરંતુ ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા જોઈને તે પાછો ફર્યો અને શાલીમાર બાગ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાન પહોંચ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજેશે મુખ્યમંત્રી પર ચાકૂ વડે હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, સુરક્ષા કર્મચારીઓની સતર્કતા જોઈને તેણે સિવિલ લાઇન્સ વિસ્તારમાં જ ચાકૂ ફેંકી દીધપું હતું. હાલ પોલીસ તહસીનની પૂછપરછ કરી રહી છે.
આરોપી રાજેશ મુખ્યમંત્રી પર હુમલો કરવા માટે જે ચાકૂ લાવ્યો હતો તેની શોધખોળ પણ કરાઇ રહી છે. પોલીસ આરોપીઓને સિવિલ લાઇન્સ વિસ્તારની ઓળખ કરાવી રહી છે જેથી ચાકૂ મળી શકે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રાજેશ દિલ્હી આવ્યો હતો અને તેનો મિત્ર તહસીન સૈયદ તેના ઇરાદાઓથી વાકેફ હતો. આરોપી રાજેશ અને તહસીન બંને શ્વાન પ્રેમી છે. રાજેશે કહ્યું હતું કે તે તેના માર્ગમાં આવનાર કોઈપણ વ્યક્તિને છોડશે નહીં. સમગ્ર આયોજન અને ગુના દરમિયાન, રાજેશ અને તહસીન વાતચીતમાં હતા અને તહસીને રાજેશને બધું જ કહ્યું હતું. રાજેશે વિચાર્યું કે સુપ્રીમ કોર્ટને બદલે મુખ્યમંત્રી એક સરળ નિશાન છે. તેણે તહસીનને કહ્યું કે તે તેને મારી નાખશે.આ દરમિયાન, સુરક્ષા વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સમગ્ર સુરક્ષાની જવાબદારી હવે ફરીથી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીના નજીકના વર્તુળ તરફથી મળેલી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે અને સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વધારવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલા બાદ, તેમની સુરક્ષા માટે તૈનાત CRPFને આ જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી પર હુમલા બાદ, તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની પહેલી પોસ્ટ કરી અને કહ્યું, જ્યારે હું કોલેજમાં હતી, ત્યારે મારા પિતાએ મને કાર ચલાવવા માટે આપી હતી. એક દિવસ એક મોટો અકસ્માત થયો. હું ડરી ગઈ અને હું ફરીથી કારને સ્પર્શ કરવાથી ડરતી હતી. પછી મારા પિતાએ કહ્યું કે જીવનમાં અકસ્માતો થતા રહે છે, ડરથી રોકાશો નહીં. તમે રસ્તા પર ચાલવાનું બંધ કરી શકતા નથી. આજે મને તેમનો એ જ ઉપદેશ ફરીથી યાદ આવી રહ્યો છે. ગઈકાલે બીજો અકસ્માત થયો, પરંતુ હું દિલ્હીના લોકોના હિત માટે લડવાનું ક્યારેય બંધ કરીશ નહી. મારા જીવનની દરેક ક્ષણ અને મારા શરીરનો દરેક હિસ્સો દિલ્હીના નામે છે. આવા અણધાર્યા હુમલાઓ છતાં હું ક્યારેય દિલ્હી છોડીશ નહીં. તેમણે એવી પણ જાહેરાત કરી કે હવે જાહેર સુનાવણી ફક્ત મારા ઘરે જ નહીં પરંતુ દિલ્હીના દરેક વિધાનસભા મતવિસ્તારમાં યોજાશે.




