બિહારના રેલવે મુસાફરોને ભારતીય રેલવે તરફથી વધુ એક મોટી ભેટ મળવાની છે. વડાપ્રધાન મોદી આ મહિનામાં જ બિહારને 4 નવી અમૃત ભારત ટ્રેનની ભેટ આપશે. આ ટ્રેન પશ્ચિમ બંગાળથી ઉત્તરપ્રદેશ અને દિલ્હી સુધીની મુસાફરી કરશે, જેનાથી બિહારના મુસાફરોને સારી કનેક્ટિવિટી અને આધુનિક સુવિધાઓ મળશે.
રેલવેના આ નવા પગલાથી બિહારમાં અમૃત ભારત/ ટ્રેનની કૂલ સંખ્યા 13થી વધીને 18 થઈ જશે. ‘અમૃત ભારત’ ટ્રેન પોતાની સ્પીડ અને ‘પુશ પુલ’ ટેક્નોલોજી માટે જાણીતી છે, જેનાથી મુસાફરીનો સમય ઓછો થાય છે. આ ટ્રેનમાં આધુનિક ઈન્ટીરીયર, ચાર્જિગ પોઈન્ટસ અને સારા સુરક્ષાના ફિચર આપવામાં આવેલા છે.
જાણો ટ્રેનનો સમગ્ર રૂટ અને સ્ટોપેજ
1. ડિબ્રૂગઢ-ગોમતીનગર (લખનઉં) અમૃત ભારત (15950) : આ સાપ્તાહિક ટ્રેન અસમથી લખનઉંની વચ્ચે ચાલશે. બિહારમાં આ ટ્રેન કિશનગંજ, કટિહાર, નવગછિયા, ખગડિયા, બેગૂસરાય, બરૌની, હાજીપુર, છપરા અને સીવાન જેવા મુખ્ય સ્ટેશન પર ઉભી રહેશે. તેનાથી મિથિલા અને સીમાંચલના લોકોને ઉત્તરપ્રદેશ જવું સરળ બનાવશે.
2. બનારસ-સિયાલદહ અમૃત ભારત (22588/22587) : આ ટ્રેન અઠવાડિયામાં 3 દિવસ ચાલશે. બનારસથી તે રવિવાર, ગુરૂવાર અને શુક્રવારે રવાના થશે, જ્યારે સિયાલદહથી સોમવાર, બુધવાર અને શનિવારે ચાલશે. બિહારની રાજધાની પટનાના મુસાફરો માટે આ ટ્રેન સીધી બંગાળ અને વારાણસી જવાનો સારો વિકલ્પ રહેશે.
3. હાવડા-આનંદ વિહાર (દિલ્હી) અમૃત ભારત (13065/13066): દિલ્હી જનારા મુસાફરો માટે આ સાપ્તાહિક ટ્રેન એક મોટી રાહત છે. બિહારમાં તેનું સ્ટોપેજ ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, અનુગ્રહ નારાયણ રોડ અને ગયામાં આપવામાં આવ્યું છે. તેનાથી દક્ષિણ બિહારના જિલ્લાઓને સીધા દિલ્હીની કનેક્ટિવિટી મળશે.
4. પનવેલ (મુંબઈ)-અલીપુરદ્વાર અમૃત ભારત (11031/11032) : મુંબઈની મુસાફરી કરનારા લોકો માટે આ એક મહત્વપૂર્ણ ટ્રેન રહેશે. જે પનવેલથી સોમવાર અને અલીપુરદ્વારથી ગુરૂવારે ચાલશે. બિહારમાં તેનો રૂટ ખુબ જ વિસ્તૃત છે, જેમાં બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, ખગડિયા અને કટિહાર જેવા સ્ટેશન સામેલ છે.
આ ટ્રેનના સંચાલનથી ના માત્ર દિલ્હી અને મુંબઈ જવું સરળ બનશે પણ બંગાળ અને ઉત્તરપ્રદેશની સાથે વ્યાપારિક અને સામાજિક સંબંધ પણ મજબૂત થશે. રેલવે બોર્ડ મુજબ આ ટ્રેન શરૂ થવાથી હાલમાં ચાલી રહેલી ટ્રેન પર દબાણ ઓછું થશે અને વેઈટિંગ લિસ્ટની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.




