Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News : ફેબ્રુઆરીની શરૂઆત સાથે જ વાતાવરણે ફરી એકવાર પલટો માર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જાન્યુઆરીની વિદાય સાથે ઠંડી ઘટવાની ધારણા રાખતા લોકો માટે માઠા સમાચાર છે. ફેબ્રુઆરીની શરૂઆત સાથે જ વાતાવરણે ફરી એકવાર પલટો માર્યો છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર હવે મેદાની રાજ્યો સહિત પશ્ચિમ ભારતના હવામાન પર પણ જોવા મળી રહી છે. હિમાલયમાં સક્રિય થયેલા બે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં આકરી ઠંડી અને પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી 24 થી 48 કલાકમાં ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જેવા વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે, જેના કારણે રાત્રિના સમયે ઠંડક અનુભવાશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વહેલી સવારે ઝાકળ પડવાની પણ શક્યતા છે. દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે સવારથી જ વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી ગઈ હતી. ધુમ્મસ એટલી ગાઢ હતી કે હિંડન અને દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ્સ પર અસર પડી છે. દિલ્હીમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે પંજાબ અને હરિયાણામાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ઠંડીના જોરમાં વધારો કરશે.ઉલ્લેખનીય છે કે, 5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. આ દરમિયાન ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા થશે, જેની અસર હેઠળ રાજસ્થાન અને ગુજરાતમાં ફરી ઠંડા પવનો ફૂંકાશે. ખેડૂતો માટે પણ આ બદલાતું હવામાન ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે વાદળછાયું વાતાવરણ અને તાપમાનમાં વધ-ઘટ રવિ પાકને અસર કરી શકે છે. હાલ પૂરતું તો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં સ્વેટર અને જેકેટ કબાટમાં મૂકવાની ઉતાવળ ન કરવી જ હિતાવહ છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!