છેલ્લા અઢી વર્ષ જેટલા સમયથી અશાંતિમાંથી પસાર થઇ રહેલા મણીપુરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, એવામાં સંકેતો મળી રહ્યા છે કે ટૂંક સમયમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત આવી શકે છે અને નવી સરકાર રચાઈ શકે છે.અહેવાલ મુજબ ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA) ના લગભગ તમામ વિધાનસભ્યો અને રાજ્યના ભાજપ વડા રવિવારે દિલ્હી પહોંચ્યા હતાં, આજે સોમવારે એક હાઈ લેવલ મીટીંગ યોજાવાની છે. આ આ દરમિયાન રાજ્યમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવામાં આવશે. જો આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
નોંધનીય છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના લંબાયાની મુદ્દત થોડા દિવસોમાં સમાપ્ત થવાની છે,એ પહેલા રાજકીય ગતિવિધિઓ શરુ થઇ ગઈ છે.મણિપુરની 60 સભ્યોની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી(BJP) બહુમતી ધરાવે છે. વિધાનસભા ચૂંટણી 2022 બાદ કુકી-ઝો સમુદાયના સાત સહિત ભાજપ પાસે 32 વિધાનસભ્યો હતાં, બાદમાં જનતા દળ (યુનાઇટેડ)ના પાંચ વિધાનસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા, જેનાથી ભાજપના 37 વિધાનસભ્યો થયા હતાં.પૂર્વ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની આગેવાની હેઠળની નેશનલ પીપલ્સ પાર્ટી(NPP) પાસે છ વિધાનસભ્યો છે. નોંધનીય છે કે NPP અગાઉ ભાજપનો સાથી પક્ષ હતો. મણીપુરમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા બાદ નવેમ્બર 2024 માં NPP એ પછી ટેકો પાછો ખેંચી લીધો હતો. જો કે, NPP કેન્દ્ર સરકારમાં ભાજપને ટેકો આપી રહી છે.
કુકી પીપલ્સ એલાયન્સ પાસે બે વિધાનસભ્યો છે. નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) ના પાંચ વિધાનસભ્યો, ત્રણ અપક્ષ વિધાનસભ્યો છે, કોંગ્રેસના પાંચ અને JD(U) ના એક વિધાનસભ્ય છે.જાન્યુઆરીમાં NPP ના વિધાનસભ્ય એન. કાયસીના અવસાન પછી મણિપુર વિધાનસભામાં હાલમાં 59 સભ્યો છે.ભાજપના હાઈ કમાન્ડે છેલ્લા કેટલાક મહિનામાં કુકી-ઝો સમુદાયના વિધાન સભ્યો, NPP અને NPF સહિત પક્ષના વિધાનસભ્યો સાથે સરકાર રચવા બેઠકો યોજી હતી, પરંતુ એ સમયે કોઈ નિર્ણય થઇ શક્યો ન હતો.



