પંજાબનાં જાલંધરમાં આમ આદમી પાર્ટીના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આપ નેતા લકી ઓબેરોય પર મોડલ ટાઉનના ગુરુદ્વારા સાહિબની બહાર ધડાધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ધોળા દિવસે નેતા પર ફાયરિંગની આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ ગુના માટે જવાબદાર શખ્સોને પકડવાની કામગીરી પૂજોશમાં શરૂ કરવામાં આવી છે. 
તે સમયે અચાનક બાઇક પર ધસી આવેલા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાંથી ઓબેરોયને પાંચ ગોળીઓ વાગી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વધુમાં લકી ઓબેરોયની પત્નીએ આમ આદમી પાર્ટી તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. લકી ઓબેરોય કેન્ટ મતવિસ્તારના ઈન્ચાર્જ રાજવિંદર કૌર થિયાડાના અત્યંત નજીકના નેતા છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે. જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે અને તેઓની ઝડપી લેવામાં આવે.



