બાલાસિનોરના નવા રોહિતવાસનાં એક ઘરના નકૂચા તોડીને તસ્કરો રૂ.૧.૫૭ લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જોકે પરિવાર સાઢુભાઇની પુત્રીના લગ્નમાં આણંદ તાલુકાના રામનગર ખાતે ગયો હતો, ત્યારે તકનો ગેરલાભ ઉઠાવી તસ્કરો ત્રાટક્યા હતા. 
મળતી માહિતી મુજબ, બાલાસિનોરના નવા રોહિતવાસમાં વિવેકાનંદ વિદ્યાલયની પાસે રહેતા અને અગાઉ બખલીવાલા પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઇ ઉર્ફે જશુભાઇ કાનજીભાઇ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ ૫ના રોજ તેમના સાઢુભાઇની પુત્રીના લગ્ન હોવાથી ઘરને તાળાં મારીને પરિવાર સાથે રામનગર ખાતે ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે કોઇ તસ્કરો મકાનની બહારના ભાગે લગાવેલી લોખંડની જાળીને મારેલા તાળાંનો નકૂચો અને લાકડાના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં રાખેલી તિજોરીમાંથી સોનાની બુટ્ટી, વીંટી, કડી, ચુની, ચાંદીની પાયલ, મંગળસૂત્ર, લક્કી સહિતના રૂ.૧.૫૭ લાખની કિંમતના ઘરેણાં ચોરી કરી ગયા હતા. લગ્ન પ્રસંગમાં તેમને આ અંગે જાણ થતા ઘરે આવીને તપાસ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.



