Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : રૂ.550 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ, રેપિડો રાઈડર નીકળ્યો મુખ્ય સૂત્રધાર!

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ક્રિકેટ સટ્ટાબેટિંગ અને શેરબજારના કાળા ખેલમાંથી થયેલી કરોડોની કમાણીના હવાલા રેકેટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે, મહિને માંડ રૂ.10,000 થી રૂ.12,000 કમાતો એક 28 વર્ષીય રેપિડો બાઇક ડ્રાઈવર રૂ.550 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ‘મુખ્ય સૂત્રધાર’ તરીકે કાગળ પર દર્શાવવામાં આવ્યો છે. આ મામલે EDએ મંગળવારે ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.

તપાસના કેન્દ્રમાં પ્રદીપ ઓડ નામનો રેપિડો રાઈડર છે. પ્રદીપના પાન અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ‘મેસર્સ પ્રદીપ એન્ટરપ્રાઈઝ’ નામની બોગસ પેઢી ખોલવામાં આવી હતી. પ્રદીપે તેના નિવેદનમાં કબૂલાત કરી છે કે, તેને દરેક બેંક ખાતા દીઠ રૂ.25,000 અને ચેકબુક પર સહી કરવા માટે માત્ર રૂ.400 આપવામાં આવતા હતા. તેના ખાતામાંથી થતા કરોડોના વ્યવહારો પર તેનો કોઈ અંકુશ કે જાણકારી નહોતી.EDના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં પ્રદીપ એન્ટરપ્રાઈઝ, કમલેશ ટ્રેડિંગ અને રોનક ટ્રેડર્સ નામની ત્રણ શંકાસ્પદ પેઢીઓ શરૂ કરવામાં આવી હતી. માત્ર એક જ વર્ષમાં આ ખાતાઓમાં રૂ.550 કરોડના વ્યવહારો નોંધાયા છે.આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ કિરણ પરમાર ઉર્ફે લાલો હોવાનું મનાય છે.તપાસમાં ખુલાસો થયો છે કે આ ફંડનો મોટો હિસ્સો મુરાએ ઓર્ગેનાઈઝર લિમિટેડ, પ્રધિન લિમિટેડ અને ભરત ગ્લોબલ ડેવલપર્સ જેવી લિસ્ટેડ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સર્કુલર ટ્રેડિંગ દ્વારા શેરના ભાવમાં એક જ વર્ષમાં 10,000 ટકા જેટલો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો, જેના પગલે સેબીએ જે-તે સમયે ટ્રેડિંગ સ્થગિત કરી દીધું હતું.

આ તપાસમાં આર્થિક રીતે નબળા લોકોને ‘એકાઉન્ટ મ્યુલ’ (ભાડે ખાતા આપનાર) તરીકે ઉપયોગ કરવાનું મોટું નેટવર્ક ખૂલ્યું છે. ગરીબ લોકોને થોડા હજાર રૂપિયાની લાલચ આપી તેમના દસ્તાવેજો, સિમ કાર્ડ અને ચેકબુક મેળવી લેવામાં આવે છે અને તેમના નામે શેલ કંપનીઓ ઊભી કરી કરોડોના કાળા નાણાં ધોળા કરવામાં આવે છે.હાલમાં EDએ ત્રણ જુદી જુદી કંપનીઓમાં જમા થયેલા અનુક્રમે રૂ.80.50 કરોડ,રૂ.52.11 કરોડ અને રૂ.22.86 કરોડની કડીઓ મેળવી તપાસ તેજ કરી છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.