વલસાડ રૂરલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વાંકલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી એક મોપેડ સવારને વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, મોબાઈલ અને મોપેડ મળી કુલ રૂ.૬૭,૫૦૪નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે તા.૮મી માર્ચની મોડી રાત્રે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે વાંકલ ચાર રસ્તા પાસે સામેથી આવતી એક શંકાસ્પદ સુઝુકી એવેનિસ મોપેડ નંબર જીજે/૧૫/ઈપી/૩૬૭૯ને અટકાવી હતી. મોપેડ ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અક્ષયભાઈ કુશાભાઈ પટેલ (રહે.ધરમપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા મોપેડ પર રાખેલ કાળા કલરના થેલાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપી અક્ષય પટેલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેણે દમણની વાઈન શોપમાંથી મેળવ્યો હતો અને ખેરગામના નિરવકુમાર ઉર્ફે શંભુ દલપતભાઈ લાડને પહોંચાડવાનો હતો. પોલીસે આ મામલે નિરવકુમાર લાડને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.



