Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News : ગાંધીનગરમાં શાહપુર બ્રીજ પાસેથી રૂ.૮.૧૦ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી બ્રેઝા ગાડી ઝડપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર LCB-1ની ટીમે બાતમીના આધારે શાહપુર બ્રીજ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી એક વિટારા બ્રેઝા ગાડીને ઝડપી પાડી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા કુલ રૂ.૮,૧૦,૨૧૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં વિદેશી દારૂની ૩૭૬ નંગ બોટલોનો સમાવેશ થાય છે.

ઘટનાની વિગત મુજબ, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ચિલોડાથી અમદાવાદ હાઈવે તરફ એક સફેદ કલરની વિટારા બ્રેઝા ગાડી માં દારૂનો જથ્થો જઈ રહ્યો છે. પોલીસે ઈન્દ્રોડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી, પરંતુ ગાડીના ચાલકે પોલીસને જોઈ ગાડી ઉભી રાખવાને બદલે શાહપુર બ્રીજ તરફ હંકારી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનમાં આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી તેને કુડાસણના શાહપુર બ્રીજ પાસે સર્વિસ રોડ પર આંતરી લીધી હતી.

પોલીસે ગાડીને કોર્ડન કરી ત્યારે અંધારાનો લાભ લઈને નરુ ઉર્ફે કાળીયો (રહે.બુબી,રાજસ્થાન) નામનો શખ્સ ગાડીમાંથી ઉતરીને ભાગી છૂટ્યો હતો. જ્યારે ગાડી ચલાવી રહેલા કરણકુમાર નવીનભાઈ પારઘી (રહે. અણસોલ, અરવલ્લી) ને પોલીસે ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન ગાડીની સીટ અને ડેકીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી ૩૭૬ બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.૨,૯૫,૨૧૦ થાય છે. આ મામલે પોલીસે દારૂ અને ગાડી તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૮,૧૦,૨૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.પકડાયેલા આરોપી કરણકુમારની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રતનપુર બોર્ડરથી લાવવામાં આવ્યો હતો અને તેને અમદાવાદ પહોંચાડવાનો હતો. ઇન્ફોસિટી પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી, ફરાર આરોપી નરુ, ગાડીના માલિક અને દારૂ મંગાવનાર શખ્સો વિરુદ્ધ તપાસ તેજ કરી છે.