માનવતા અને ત્વરિત કામગીરીનું ઉદાહરણ પૂરું પાડતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલીની ટીમે એક અજાણી મહિલા અને તેના ૩ વર્ષના માસૂમ બાળકને સુરક્ષિત આશ્રય અપાવી રેસ્ક્યુ કર્યા છે.એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે, નેશનલ હાઇવે પર સ્થિત એક મંદિરમાં એક અજાણી મહિલા તેના નાના બાળક સાથે અત્યંત અસહાય હાલતમાં બેઠી છે. બનાવની ગંભીરતા સમજી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ શીલાબેન ચૌધરી અને પાયલોટ નિકુંજભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અભયમ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવતા મહિલા મૂળ કોલકાતાની વતની છે અને તેના લગ્ન ૫ વર્ષ પહેલા ગુજરાતમાં થયા હતા.તે સુરત ખાતે ભાડાના મકાનમાં પતિ અને ૩ વર્ષના બાળક સાથે રહેતી હતી.બે મહિના પહેલા પતિ તેને ધાર્મિક યાત્રાએ લઈ ગયો હતો. પરત ફરતી વખતે છેલ્લા ચાર દિવસથી તેઓ હાઈવે પરના એક મંદિરમાં રોકાયા હતા.ગત રોજ પતિ ‘કંઈક કામ છે’ તેમ કહી પત્ની અને બાળકને એકલા મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો અને પરત આવ્યો નહોતો.મહિલા આ વિસ્તારમાં કોઈને ઓળખતી ન હોવાથી અને તેની સુરક્ષા જોખમમાં હોવાથી, અભયમ ટીમે મંદિરના સંચાલકોની પૂછપરછ બાદ માતા-પુત્રનું રેસ્ક્યુ કર્યું હતું. હાલ બંનેને સુરત સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે. ૧૮૧ની આ સંવેદનશીલ કામગીરીની સ્થાનિકોએ ભારે સરાહના કરી છે.




