Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ડોલવણ ખાતે નિર્માણાધીન રબર ડેમની મુલાકાત લીધી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે શનિવારે તાપી જિલ્લાના ડોલવણ ખાતે નિર્માણાધીન એર-ફિલ્ડ રબર ડેમની મુલાકાત લીધી હતી. આ અવસરે મંત્રીશ્રીએ ડેમની પ્રગતિ, પાણી સંગ્રહ ક્ષમતા તથા આસપાસના ખેડૂતોને મળનારા લાભ અંગે ઇજનેરો અને વિભાગીય અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રબર ડેમ જેવી આધુનિક અને નવીન તકનીક દ્વારા ઓછા ખર્ચે અસરકારક રીતે પાણીનો સંગ્રહ શક્ય બન્યો છે, જે ખેડૂતો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. ખાસ કરીને તાપી જિલ્લામાં કૃષિ વિકાસ અને ભૂગર્ભ જળસ્તર સુધારવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.

મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા ડેમના ટેક્નિકલ પાસાઓ, પાણીના વહેણનું સંચાલન અને જળસંચયના ફાયદાઓ અંગે ચિતાર રજૂ કરાયો હતો. નોંધનીય છે કે, પાણીની અછત અને પ્રજાની મુશ્કેલીઓના નિરાકરણ સ્વરૂપે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ પાસે અંબિકા નદી પર એર-ફિલ્ડ રબર ડેમ બનાવવામાં આવી રહ્યો છે. આ ડેમ એક આધુનિક ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ છે, જેમાં રબરના માળખાને હવામાં ભરીને પાણી સંગ્રહ કરવામાં આવે છે. જરૂર મુજબ તેને ખાલી પણ કરી શકાય છે. આ યોજનાથી અંદાજે ૩.૫૦ MCM પાણીનો સંગ્રહ થશે અને આશરે ૬૫૦ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે. ઉપરાંત, આસપાસના ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ હળવી થશે. લગભગ રૂ. ૯૯.૯૬ કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટનું કામ હાલમાં પ્રગતિમાં છે અને આશરે ૩૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા,સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!