ઓડિશાના ગંજામ જિલ્લામાં આવેલો રુષિકુલ્યા બીચ અત્યારે એક અદભૂત પ્રાકૃતિક ઘટનાનો સાક્ષી બની રહ્યો છે. વિશ્વભરમાં દુર્લભ ગણાતા અંદાજે ૨ લાખ જેટલા ઓલિવ રિડલી સમુદ્રી કાચબાઓ માસ-નેસ્ટિંગ (Arribada) પ્રક્રિયા હેઠળ ઈંડા મૂકવા માટે અહીંના કિનારે ઉમટી પડ્યા છે. પોડામ્પેટા ગામથી બટેશ્વર મંદિર સુધીના અંદાજે ૫ કિમી લાંબા રેતાળ પટ્ટા પર પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે.
જંગલ વિભાગના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં જ અંદાજે ૧ થી ૧.૫ લાખ કાચબાઓ ઈંડા મૂકી ચૂક્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. દરેક માદા કાચબો રેતીમાં ખાડો કરી અંદાજે ૧૦૦ થી ૧૨૦ જેટલા ઈંડા મૂકે છે.આશરે ૪૫ થી ૫૦ દિવસ પછી ઈંડામાંથી બચ્ચાં બહાર આવશે અને દરિયા તરફ પ્રયાણ કરશે.દુર્લભ કાચબાઓના સંરક્ષણ માટે ઓડિશા વન વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
ઈંડા મૂકવાના ૫ કિમીના વિસ્તારને કોર્ડન કરી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કાચબાઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે રાત્રિના સમયે વન વિભાગની ટીમ દ્વારા વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવે છે. સ્થાનિક માછીમારો અને સ્વયંસેવક સંસ્થાઓ સાથે મળીને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેથી દરિયાઈ પ્રવૃત્તિઓથી કાચબાઓને નુકસાન ન થાય. આ ઘટના દર્શાવે છે કે જો યોગ્ય વાતાવરણ અને સંરક્ષણ મળે, તો વિલુપ્ત થતી પ્રજાતિઓનું જતન સફળતાપૂર્વક કરી શકાય છે.



