ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન શેરથા ટોલટેક્ષ અને તારાપુર બ્રીજ પાસે ફિલ્મી ઢબે પીછો કરીને દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કારમાંથી દેશી દારૂ, મોબાઈલ ફોન અને અલ્ટો કાર મળી કુલ રૂ.૧,૪૬,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અડાલજ પોલીસની ટીમ ગત ૨૫મી માર્ચની રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ કલરની અલ્ટો કારમાં દેશી દારૂ ભરીને પસાર થવાની છે. શેરથા ટોલટેક્ષ પાસે પોલીસે નાકાબંધી કરી કારને રોકવા ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઉભી રાખવાને બદલે પ્લાસ્ટિકના બેરિકેટને અડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે તાત્કાલિક સરકારી ગાડીના સાયરન વગાડી પીછો શરૂ કર્યો હતો. પીછો કરતા જોઈ ગભરાયેલા ચાલકે તારાપુર બ્રીજ નીચે સર્વિસ રોડ પર ગાડી પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ગાડીમાં સવાર દિનેશ કાલીચરણભાઈ કુસવા (ઉં.વ.૨૧) અને સુનિલસિંગ ધરમસિંગ રાજપુત (ઉં.વ.૬૨) (બંને રહે.કુબેરનગર, અમદાવાદ) ને ઝડપી લીધા હતા. કારની તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકની ૮ મોટી કોથળીઓ મળી આવી હતી, જેમાં કુલ ૧૩૬ નાની કોથળીઓમાં ભરેલો ૨૦૪ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની કિંમત રૂ.૪૦,૮૦૦/-, અલ્ટો કારની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૪૬,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ આ દેશી દારૂનો જથ્થો મહેસાણા જિલ્લાના કડી ખાતે સબજી મંડી પાસે રહેતા કુંદન ઠાકોર પાસેથી લાવ્યા હતા અને અમદાવાદના કોટડા વિસ્તારમાં છૂટક વેચાણ કરવાના હતા. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



