પલસાણા: સુરત ગ્રામ્યના વરેલી ગામે આવેલા શગુન કોમ્પ્લેક્ષમાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બે યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે કોમ્પ્લેક્ષના ત્રીજા માળે રૂમ નં. સી-૩૦૫માં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.
પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી બે ટ્રોલી બેગ અને એક મીણીયાના કોથળામાંથી પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૩૬ બાટલીઓ મળી આવી હતી, જેની કિંમત રૂ.૯૯,૪૮૦/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા (૧) કાજલ પવનકુમાર વર્મા (ઉં.વ.૨૩,રહે.જયપુર,રાજસ્થાન) તથા (૨) શોભા બંસીલાલ કુંભાર (ઉં.વ.૨૧,રહે.જયપુર,રાજસ્થાન)ના આરોપીઓ પાસેથી રૂ.૨૦,૦૦૦/- ની કિંમતના ૩ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.પકડાયેલ યુવતીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના હિરા નામના ઈસમે મોકલાવ્યો હતો. પોલીસે આ કેસમાં દારૂ મોકલનાર હિરાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.



