ગાંધીનગર: કલોલના નારદીપુર ગામમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ગત ૨૬ માર્ચની રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ વાડામાં બાંધેલી ત્રણ ગાયોની ચોરી કરી, તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી માંસની હેરાફેરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે કલોલ તાલુકાના નારદીપુર ગામના લાલદાવાસ વિસ્તારમાં રહેતા આયુસ લલ્લુભાઈ રબારી અને અન્ય બે પશુપાલકોની ગાયો ગત ૨૬ માર્ચની રાત્રે વાડામાંથી ગુમ થઈ હતી. શોધખોળ દરમિયાન નારદીપુરથી ડીંગુચા રોડ પર આવેલ ONGC વેલ પાસેના એક પડતર ખેતરમાંથી પશુઓના કપાયેલા અવશેષો, આંતરડા અને લોહીના ડાઘા મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી મળી આવેલી દોરડી અને કોટીયુ (શીંગડે બાંધવાનું સાધન) પરથી પશુપાલકોએ પોતાની ગાયોની ઓળખ કરી હતી.પોલીસે તાત્કાલિક સ્થળ વિઝિટ કરી વેટેનરી ડોક્ટર મારફતે નમૂના લઈ FSL તપાસ માટે મોકલી આપ્યા હતા. FSL રિપોર્ટમાં કબજે કરેલા અવશેષો ગૌ-વંશના હોવાનું સાબિત થતા, પોલીસે આયુસ રબારીની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



