સુરત ગ્રામ્ય LCB પોલીસની ટીમે કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડી રવિવારે વહેલી સવારે મોટી સફળતા મેળવી છે. પોલીસની રેઈડ દરમિયાન લાખોની રોકડ અને લક્ઝરી વાહનો સહિત કુલ રૂ. ૨૯,૮૫,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા દરોડા દરમિયાન રોકડ રકમ,દાવ પરના તથા અંગઝડતીના મળી કુલ રૂ. ૪,૨૫,૬૦૦/- તેમજ ૩૩ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૩,૧૦,૦૦૦/- તથા કાર, રિક્ષા અને મોપેડ મળી કુલ ૦૯ વાહનો કિંમત રૂ.૨૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૯,૮૫,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મોરથાણા ગામના ‘મારબેલા ફાર્મ હાઉસ’ ના બંગલા નંબર-૩ માં સુરત શહેરના કેટલાક શખ્સો ફાર્મ હાઉસ ભાડે રાખી બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોરંટ મેળવી રવિવારે સવારે ૯:૦૦ કલાકે રેઈડ કરી હતી. પોલીસને જોઈને કેટલાક શખ્સો દિવાલ કૂદીને નાસી છૂટ્યા હતા, પરંતુ બંગલાની અંદર ત્રણ અલગ-અલગ સર્કલમાં જુગાર રમી રહેલા ૩૦ જેટલા શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ જુગારધામના મુખ્ય સંચાલકો તરીકે ઈમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને ઝાફર રઝાક શેખ (રહે.સુરત) ના નામો ખુલ્યા છે. જેમાં ઝાફર શેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઈમરાન ઈંટવાલા અને મોહમ્મદ ઈરફાન શેખ રેઈડ દરમિયાન હાજર ન મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા મોટાભાગના આરોપીઓ સુરત શહેરના નાનપુરા, લીંબાયત અને ઉધના વિસ્તારના રહેવાસી છે. કામરેજ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.




