થાણે: પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કૉલેજમાં દીકરીને એડ્મિશન અપાવવાની ખાતરી આપી થાણેની મહિલા પાસેથી 16.35 લાખ રૂપિયા પડાવનારા ત્રણ શખસ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.ફરિયાદને આધારે કાપૂરબાવડી પોલીસે બીજી એપ્રિલે આરોપી તાશીન ખાન (40), સૈફ ખાન (42) અને શ્રુતિ નામની મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ગયા વર્ષના જૂનામાં એક અખબારમાં મુંબઈની એન્જિનિયરિંગ કૉલેજમાં એડ્મિશન સંબંધી જાહેરખબર વાંચી મહિલાએ કાપૂરબાવડી ખાતેની આરોપીની ઑફિસનો સંપર્ક સાધ્યો હતો. ત્રણેય આરોપીએ ફરિયાદીને તેમની દીકરી માટે એન્જિનિયરિંગની સીટની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.દીકરીને એડ્મિશન અપાવવા માટે આરોપીઓની વાતોમાં આવી મહિલાએ જૂનથી નવેમ્બર, 2025 દરમિયાન રોકડ અને બૅન્ક ટ્રાન્સફર દ્વારા 16.35 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આરોપીઓએ કૉલેજના બોગસ સ્ટૅમ્પ અને હસ્તાક્ષર સાથેની ફીની રસીદ પણ મહિલાને આપી હતી.નવેમ્બર, 2025માં ફરિયાદી દીકરીનું આઈ કાર્ડ લેવા માટે કૉલેજમાં ગઈ ત્યારે આ છેતરપિંડી સામે આવી હતી. આ અંગે આરોપી પાસેથી કોઈ સંતોષજનક ઉત્તર ન મળતાં મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)




