સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર (વર્ગ-૩) ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી સામે એ.સી.બી. એ લાલ આંખ કરી છે. પોતાની કાયદેસરની આવક કરતા રૂા.૧,૨૨,૨૭,૬૫૮ (૫૬.૮૯ %) જેટલી વધુ અપ્રમાણસર મિલકત વસાવવા બદલ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED), દિલ્હીના પત્રના આધારે અગાઉ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એ.સી.બી. નિયામક પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ SIT ની રચના કરવામાં આવી હતી. SIT ની તપાસ દરમિયાન આરોપીના તા.૦૧/૦૪/૨૦૧૩ થી તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાની મિલકતોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ ફરજ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્રિત કરી હતી. પોતાના તેમજ પરિવારના સભ્યો અને સ્નેહીજનોના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં મોટાપાયે રોકાણ કર્યું હતું.
કાયદેસરની આવકની તુલનામાં ૫૬.૮૯ % વધુ સંપત્તિ મળી આવી છે. ચંદ્રસિંહ મોરી હાલમાં ફરજ મોકૂફ (સસ્પેન્ડેડ) છે અને અગાઉના ભ્રષ્ટાચારના ગુનામાં અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. સુરેન્દ્રનગર એ.સી.બી. પી.આઈ. એમ.ડી. પટેલે સરકાર તરફે ફરિયાદી બની તા.૦૮/૦૪/૨૦૨૬ ના રોજ આ નવો ગુનો દાખલ કર્યો છે.આ કેસની આગળની તપાસ મોરબી એ.સી.બી. પી.આઈ. પી.એ. દેકાવડીયા ચલાવી રહ્યા છે, જ્યારે સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટ એ.સી.બી.ના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા કાર્યરત છે.



