પુણે: ઑનલાઈન શૅર ટ્રેડિંગ સ્કૅમમાં અનેક વાર રોકાણ કરવા લલચાવીને પુણેના 75 વર્ષના ડૉક્ટર પાસેથી ખાસ્સા 12.31 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં સિનિયર સિટીઝન ડૉક્ટરને અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો હતો, જેમાં લિંક સાથે રોકાણ કરવા લાયક શેર્સની ભલામણ કરતી યાદી હતી.ડૉક્ટરે મેસેજમાંની લિંક પર ક્લિક કરતાં જ તેમને એક વૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. એ ગ્રૂપના એડ્મિનિસ્ટ્રેટર્સ ગ્લોબલ ફાઈનાન્સિયલ મૅનેજમેન્ટ ફર્મના સિનિયર એક્ઝિક્યુટિવ હોવાનો દાવો કરાયો હતો. એમાંથી એકે તો પોતે શૅરબજારની ગતિશીલતાનો લેખક હોવાનો દાવો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વિશ્ર્વસનીયતા ઊભી કરવા માટે ગ્રૂપનો ઉપયોગ કરાતો હતો. આ રૅકેટનો હિસ્સો હોવાનું મનાતા ગ્રૂપના અમુક સભ્યો રોકાણમાંથી પૂરતો નફો મળ્યો હોવાનું દર્શાવતા મેસેજીસ પોસ્ટ કરતા હતા.ડૉક્ટરે પણ રોકાણની તૈયારી દાખવતાં નામાંકિત આંતરરાષ્ટ્રીય કંપનીને મળતી આવતી છેતરામણી ટ્રેડિંગ ઍપ્લિકેશન તરફ તેમને દોરવામાં આવ્યા હતા. ડૉક્ટરની અંગત અને નાણાકીય વિગતો મેળવી લેવામાં આવી હતી. પછી તેમને રોકાણને નામે વિવિધ બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. ડૉક્ટરે કરેલી રોકાણ પર ઊંચો નફો થયો હોવાનું બોગસ પ્લૅટફોર્મ પર દર્શાવવામાં આવતું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર 7 માર્ચથી 18 માર્ચ દરમિયાન ડૉક્ટરે આઠ ટ્રાન્ઝેક્શન દ્વારા 12.31 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વધુ રોકાણ કરવાનો ઇનકાર કરનારા ડૉક્ટરને તેમની મિલકતો જપ્ત કરવાની ધમકી આપવામાં આવી હતી. તેથી ડૉક્ટરે રોકાણ ચાલુ રાખ્યું હતું. આની સામે ઍપ પર ડૉક્ટરના 54 કરોડ રૂપિયા જમા હોવાનું દર્શાવાયું હતું.ડૉક્ટરે ખાતામાંથી રૂપિયા કઢાવવાનો પ્રયાસ કરતાં તે કઢાવી શક્યા નહોતા. રૂપિયા અંગે મેસેજ કરતાં તેમને ફરી ધમકી આપવામાં આવી હતી. આખરે પોતે છેતરાયા હોવાની જાણ થતાં ડૉક્ટરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)




