વસઈમાં 210 ગુંઠા જમીન પચાવી પાડીને અન્ય વ્યક્તિને વેચી દેવાના કેસમાં મીરા-ભાયંદર વસઈ-વિરારની ક્રાઈમ બ્રાન્ચે રિયલ એસ્ટેટ એજન્ટની ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ના ઇન્ચાર્જ પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ સુરેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે રંધા તરીકે થઈ હતી. આરોપીએ વસઈમાં આવેલી 210 ગુંઠા (લગભગ 5.25 એકર) જમીન ખરીદવાની તૈયારી દાખવી હતી. જોકે બાદમાં વ્યવહાર પૂરો કરવાને બદલે ફરિયાદી પાસેથી એ જમીનનો તાબો મેળવ્યો હતો.
ફરિયાદ અનુસાર રાજવલી ગામમાં આવેલી આ જમીનનો સોદો પૂરો કર્યા વિના જમીનમાલિકની જાણબહાર આરોપીએ એ જમીન એક બિલ્ડરને વેચી દીધી હતી. 2020થી 2025 દરમિયાન આ કથિત છેતરપિંડી થઈ હતી.બાદમાં એ જમીન પર ગેરકાયદે ચાલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે ઘરો વેચીને આરોપીએ ફરિયાદી અને ઘર ખરીદનારા બન્ને સાથે છેતરપિંડી કરી હતી.
પોતાની જમીનની રકમ માટે ફરિયાદીએ આરોપીનો સંપર્ક સાધતાં તેણે ગાળાગાળી કરી ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. આ પ્રકરણે સિંહ વિરુદ્ધ બીજી એપ્રિલે વાલિવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસ બાદ પોલીસે સિંહની ધરપકડ કરતાં કોર્ટે તેને 10 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીની વધુ તપાસ કરતાં તેની વિરુદ્ધ 11 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)




