મેટાએ આ અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે મોટા પાયે કર્મચારી ઘટાડાની જાહેરાત કરી છે. કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ક્ષેત્રમાં વધુ ઝડપથી આગળ વધવા માટે પોતાના આંતરિક માળખામાં મોટા ફેરફારો કરી રહી છે. કંપનીના ચીફ પીપલ ઓફિસર જેનેલ ગેલે કર્મચારીઓને મોકલાયેલા મેમો મુજબ, બુધવારે કંપની પોતાની કુલ કર્મચારી સંખ્યામાંથી લગભગ 10 ટકા કર્મચારીઓને હટાવશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન વધુ છટણી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. મેમોમાં જણાવાયું છે કે, આશરે 7000 કર્મચારીઓને એઆઈ સંબંધિત નવી પહેલોમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.
તેની સાથે સાથે મેનેજમેન્ટના અનેક હોદ્દાઓ પણ સમાપ્ત કરવામાં આવશે. કંપની હવે એઆઈ નેટિવ ડિઝાઇન પ્રિન્સિપલ્સ આધારિત નવું સંગઠનાત્મક માળખું અપનાવી રહી છે, જેમાં નાના અને ઝડપી કાર્યકારી જૂથો બનાવીને વધુ કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પરિવર્તન મેટા એઆઈ ઇનિશિયેટિવ્સ અંતર્ગત ચાલી રહેલા મોટા એઆઈ પરિવર્તનનો ભાગ છે. કંપની પોતાના પ્રોડક્ટ્સ તેમજ આંતરિક કામગીરીમાં એઆઈ એજન્ટ્સને કેન્દ્રસ્થાને લાવવા માંગે છે.
કંપનીના સીટીઓ એન્ડ્ર્યુ બોસવર્થે અગાઉ જાહેર કરાયેલા એઆઈ ફોર વક કાર્યક્રમ હેઠળ એપ્લાઇડ એઆઈ એન્જિનિયરિંગ અને એજન્ટ ટ્રાન્સફોર્મેશન એક્સીલરેટર (એટીએ) એક્સએફએન જેવી નવી ટીમોમાં કર્મચારીઓને મોકલવામાં આવી રહ્યા છે. આ ટીમો એવા એઆઈ એજન્ટ્સને વિકસાવશે, જે હાલ માનવીય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા કાર્યો સ્વતંત્ર રીતે પૂર્ણ કરી શકશે. માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં મેટામાં કુલ 77986 કર્મચારીઓ કાર્યરત હતા. કંપનીએ આ પ્રક્રિયા દરમિયાન વધારાના 6000 હોદ્દાઓ પણ બંધ કરી દીધા છે. નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકાની મોટી ટેક કંપનીઓમાં એઆઈ આધારિત પુન:રચનાની વધતી લહેરનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે.



