રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં ઘોઘાવદર રોડ પર બે કાર વચ્ચે સર્જાયેલા પ્રચંડ અકસ્માતમાં એક કાર નિયંત્રણ ગુમાવીને સીધી પુલ નીચે ખાબકી હતી. બનાવની વિગત એવી છે કે, ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલી ધારેશ્વર ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત સામસામે આવી રહેલી બે કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે આસપાસનો વિસ્તાર ધડાકાથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગ્યા બાદ એક કારના ચાલકે વાહન પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે તે કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી પુલ નીચે ખાબકી હતી.
આ દુર્ઘટનામાં બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો છે અને તેમાં સવાર કુલ ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનીક લોકો અને વાહન ચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે પુલ નીચે દોડી ગયા હતા. અકસ્માતને પગલે એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી વાહનોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત અંગેની માહિતી મળતા જ ગોંડલ શહેર A-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે પુલ નીચે ખાબકેલી કારને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે અકસમત અંગે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



