સમગ્ર દેશ સહિત રાજ્યમાં દિવસ અને રાત બંને સમયે ગરમીનો પ્રકોપ યથાવત છે. આ આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડી શકે છે. 
સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારો આજથી સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટ પર વાતાવરણ પલટાશે. ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજથી જ મેઘરાજા દસ્તક દઈ શકે છે. જયારે ભાવનગર જિલ્લામાં આવતીકાલે હળવા વરસાદની આગાહી છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. એક તરફ ગુજરાતમાં વરસાદી માહોલ બંધાવા જઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ દેશના ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં ગરમીએ પારો તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં મે મહિનાની અત્યાર સુધીની સૌથી ગરમ રાત નોંધાઈ છે. જોકે, સેટેલાઇટ છબીઓ સૂચવે છે કે આ આકરા તાપમાનમાંથી ટૂંક સમયમાં જ લોકોને મોટી રાહત મળશે.



