ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને આશરે 2.87 લાખ કરોડ રૂપિયાનો રૅકોર્ડબ્રેક સરપ્લસ (ડિવિડન્ડ) ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. મુંબઈ ખાતે ગવર્નર સંજય મલ્હોત્રાના અધ્યક્ષપદ હેઠળ મળેલી આરબીઆઇના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સની 623મી બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં વૈશ્વિક સ્તરે વેસ્ટ એશિયામાં કટોકટીના કારણે આર્થિક પડકારો ઊભા થયા છે. તેવામાં આરબીઆઇ તરફથી મળેલી આ માતબર રકમથી કેન્દ્ર સરકારને નાણાકીય ખાધ નિયંત્રણમાં રાખવામાં અને દેશના વિકાસ કાર્યોને વેગ આપવામાં મોટી મદદ મળશે.
આરબીઆઇએ જાહેર કરેલા આંકડા મુજબ, દેશની કેન્દ્રીય બૅંકની નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ છે. જેમાં બેલેન્સ શીટ: 31 માર્ચ, 2026ના રોજ આરબીઆઇની બેલેન્સ શીટ 20.61 ટકાના વધારા સાથે 91.97 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આવકમાં વધારો: બૅંકની કુલ આવકમાં વાર્ષિક ધોરણે 26.42 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. ચોખ્ખી આવક: જોખમ જોગવાઈઓ પહેલાં આરબીઆઇની ચોખ્ખી આવક ગયા વર્ષના 3,13,455.77 કરોડ રૂપિયાથી વધીને આ વર્ષે રૂપિયા 3,95,972.10 કરોડ થઈ છે.
રિઝર્વ બૅંકે માત્ર સરકારને જ નાણાં નથી આપ્યા, પરંતુ ભવિષ્યની આર્થિક કટોકટીનો સામનો કરવા માટે પોતાના આકસ્મિક જોખમ બફરને પણ મજબૂત રાખ્યું છે. આરબીઆઇએ પોતાની બેલેન્સ શીટના 6.5 ટકા રકમ બફર તરીકે જાળવી રાખી છે, જેના હેઠળ આ વર્ષે રૂપિયા 1,09,379.64 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પોતાના બજેટ દસ્તાવેજોમાં નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આરબીઆઇ, રાષ્ટ્રીયકૃત બૅંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કુલ રૂપિયા 3.16 લાખ કરોડના ડિવિડન્ડની અપેક્ષા રાખી હતી. જેમાંથી સિંહફાળો એટલે કે રૂપિયા 2.87 લાખ કરોડ તો માત્ર આરબીઆઇ તરફથી જ મળી ગયા છે.




