Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભુજમાં ACBની મોટી કાર્યવાહી: લાંચના પૈસા લઈને PSI નાસી છૂટ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પશ્ચિમ-કચ્છ ભુજના વાયોર પોલીસ સ્ટેશનના PSI રૂપિયા ૪૦,૦૦૦ની લાંચ લેતા ACB ના સકંજામાં આવ્યા છે. લાંચની રકમ સ્વીકાર્યા બાદ પોલીસ અધિકારીને શંકા જતાં તેઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા, જેમની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, આ કેસના જાગૃત ફરિયાદી વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો હતો. આ ગુનામાં ફરિયાદીને ખોટી રીતે હેરાન-પરેશાન ન કરવા તેમજ તેમની ફેક્ટરી નિર્બાધપણે ચાલુ રાખવા દેવાના ‘હપ્તા’ પેટે વાયોર પોલીસ સ્ટેશનના વર્ગ-૩ ના PSI ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલે રૂપિયા ૫૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી આ ગેરકાયદેસર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે એ.સી.બી.ના હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓએ એ.સી.બી. ગાંધીધામ કચેરી ખાતે રૂબરૂ આવીને આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના ગાયત્રી મંદિરના ગેટ પાસે રોડ પર ફરિયાદી અને PSI ઇન્દ્રવિજયસિંહ વચ્ચે હેતુલક્ષી વાતચીત થઈ હતી. લાંબી રકઝક બાદ PSI રૂપિયા ૪૦,૦૦૦ લેવા સંમત થયા હતા અને ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી લીધી હતી.

લાંચની રકમ હાથમાં આવ્યા બાદ આરોપી PSI ઇન્દ્રવિજયસિંહ ગોહિલને આસપાસ કોઈ શંકાસ્પદ હિલચાલ અથવા એ.સી.બી.ની ટ્રેપ હોવાનો વહેમ ગયો હતો. જેથી તેઓ ટ્રેપના સ્થળેથી લાંચના રૂપિયા ૪૦,૦૦૦ રોકડા લઈને નાસી છૂટ્યા હતા. એ.સી.બી.એ આ સમગ્ર મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા પોલીસ અધિકારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.