જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાં માતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ખુલાસો કર્યો છે કે 23 વર્ષીય યુવતીએ કૌટુંબિક સંપત્તિ અને સરકારી નોકરી મેળવવાના ઇરાદાથી પોતાની જ માતાની હત્યા કરાવવા માટે કાવતરું રચ્યું હતું. આ હત્યાને માર્ગ અકસ્માત હોવાનું સ્વરૂપ આપવા માટે ભાડૂતી હુમલાખોરોની મદદ લેવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતક 45 વર્ષીય નીરજ શર્મા કોર્ટમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) તરીકે ફરજ બજાવતા હતા. તેમની 3 જુલાઈના રોજ જયપુરના પ્રતાપ નગર વિસ્તારમાં એસયુવી દ્વારા કચડીને હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ઘટના માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ પૂર્વઆયોજિત હત્યા હોવાનું સામે આવ્યું.
તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકની પુત્રી આયુષી શર્માએ પોતાના કાકા મોહન સ્વરૂપ અને પિતરાઈ ભાઈ બલરામ ઉર્ફે રવિ સહિત અન્ય આરોપીઓ સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. માતાની હત્યા કરવા માટે ભાડૂતી હુમલાખોરોને અંદાજે 7 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે.આ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં આયુષી શર્મા, મોહન સ્વરૂપ, મોહિત શર્મા, આકાશ શર્મા, અરવિંદ શર્મા, હેમંત શર્મા અને રોહિત જાટવનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય કાવતરાખોર માનવામાં આવતો બલરામ ઉર્ફે રવિ હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.
પૂર્વ વિભાગના પોલીસ ઉપઆયુક્ત (DCP) રંજીતા શર્માના જણાવ્યા મુજબ, નીરજ શર્માના પતિનું લગભગ એક વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ અનુકંપાના ધોરણે નીરજ શર્માને સરકારી નોકરી મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આયુષી પોતાના પિતાના અવસાન બાદ ખાલી પડેલી સરકારી નોકરી મેળવવા ઇચ્છતી હતી, પરંતુ તે નોકરી તેની માતાએ સ્વીકારી લીધી હતી.આ ઉપરાંત છેલ્લા બે-ત્રણ વર્ષથી માતા-પુત્રી વચ્ચે કૌટુંબિક સંપત્તિને લઈને પણ વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે સરકારી નોકરી અને સંપત્તિના વિવાદને કારણે આયુષીએ પરિવારના કેટલાક સભ્યો સાથે મળીને પોતાની જ માતાની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું.પોલીસ સમગ્ર કેસની વધુ તપાસ કરી રહી છે, જ્યારે ફરાર આરોપીની ધરપકડ માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.




