ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના સંકલ્પ સાથે શક્તિદૂત ૨.૦ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. યોજનામાં અગાઉ ૬૪ ખેલાડીઓને મળતો લાભ હવે વધારીને ૫૦૦ ખેલાડીઓ સુધી કરવામાં આવ્યો છે. પસંદગી પામેલા ખેલાડીઓને વાર્ષિક રૂ. ૫૦ લાખ સુધીની વિશ્વસ્તરીય તાલીમ સહાય મળશે. દિવ્યાંગ રમતવીરો માટે ૫૦ બેઠકો અનામત રાખવામાં આવી છે.
સંઘવીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૫થી શક્તિદૂત યોજના હેઠળ અત્યાર સુધીમાં ૭૭૭ આંતરરાષ્ટ્રીય સહિત કુલ ૧,૭૪૦ ખેલાડીઓએ વિવિધ રમતોમાં મેડલ મેળવ્યા છે. ખેલાડીઓની ઇજામાંથી ઝડપી પુનઃપ્રાપ્તિ માટે ગુજરાતમાં દેશની અગ્રણી સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન રિકવરી સુવિધા ઊભી કરાશે.
સમારોહ દરમિયાન રાજ્યમાં રૂ. ૩૮૮ કરોડથી વધુના ખર્ચે ૩૭ રમતગમત અને લાઇબ્રેરી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર ૭૯૯ ખેલાડીઓને એકલવ્ય, સરદાર પટેલ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
નાયબ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૦૩૦માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરશે.




