ભુજઃ નખત્રાણા નજીક કોટડા (જડોદર) માર્ગ પર સંતકૃપા હોટેલ પાછળ આવેલા ભંગારવાડામાં શનિવારે બપોરે મિની લોડિંગ ટેમ્પોમાં પ્રચંડ વિસ્ફોટ થતાં એક જ પરિવારના ચાર સભ્યોનાં કરૂણ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં બે સગા ભાઈઓ મામદ ઈલિયાસ કુંભાર (30) અને નૂરમામદ ઈલિયાસ કુંભાર (26) તેમજ તેમનાં બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, ભંગાર ખાલી કરતી વખતે ટેમ્પોની ડીઝલ ટાંકી નજીક અચાનક બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ પાંચથી છ કિ.મી. સુધી સંભળાયો હતો અને ટેમ્પોના ફુરચા ઉડી ગયા હતા. ઘટનામાં બંને ભાઈઓ તથા તેમના બાળકો હસનેન (3) અને નૂર ફાતિમા (સાડા 3)નાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
ડીઝલ ટાંકીમાં આટલો મોટો વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ભૂતકાળમાં કચ્છમાં ભંગારમાંથી વણફૂટેલા મોર્ટાર શેલ મળવાના બનાવોને ધ્યાનમાં રાખી પોલીસે તમામ શક્યતાઓ તપાસી છે. FSL તપાસ બાદ બ્લાસ્ટનું ચોક્કસ કારણ બહાર આવશે.




