જેતપુર: જેતપુર PGVCLમાં સરકારી મટિરિયલની કથિત ઉચાપતના મામલે ચકચાર મચી છે. જેતપુર સિટી પોલીસ મથકમાં PGVCLના ચાર અધિકારીઓ, એક કોન્ટ્રાક્ટર અને એક ડ્રાઇવર સહિત કુલ છ સામે રૂ.15.80 લાખના મટિરિયલ કૌભાંડ અંગે ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ 25 ફેબ્રુઆરી, 2026ના રોજ અન્ય કર્મચારીના આઈડીનો ઉપયોગ કરી ખોટા મુવ ઓર્ડર બનાવી 12.5 કિમી ડોગ કંડક્ટર, 30 ગર્ડર અને 400 પીન ઈન્સ્યુલેટર સહિતનો સરકારી માલ કથિત રીતે સગેવગે કરવામાં આવ્યો હતો. આ મટિરિયલની કુલ કિંમત રૂ.15,80,504.76 હોવાનું જણાવાયું છે.મામલાની ઉચ્ચસ્તરીય તપાસ દરમિયાન માલસામાન છુપાવવા માટે અન્ય કંપનીનો ડોગ કંડક્ટર તથા અલગ કંપનીના ગર્ડર ગોડાઉનમાં જમા બતાવ્યાનું પણ સામે આવ્યું હતું. ખાતાકીય તપાસમાં છ વ્યક્તિઓ કસૂરવાર ઠર્યા બાદ તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો. પોલીસે BNSની કલમ 316(5), 61(2) અને 3(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




