અમદાવાદ: રાજ્યમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી અને ડુપ્લિકેટ દવાઓના વેચાણ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા. 19 ઓગસ્ટથી અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ ચાલી રહેલી તપાસમાં અત્યાર સુધી 30થી વધુ પેઢીઓ અને મેડિકલ સ્ટોરની તપાસ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી NICARDIA RETARD 10 TABLETS (બેચ નં. ACG25007)ના 660 ટેબ્લેટ મળી આવતા જપ્ત કરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત પાલડીની પાર્શ્વ મેડિકલ એજન્સીમાંથી પણ આ જ દવાના 590 ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયો છે. તપાસમાં વિવિધ બેચની Nicardia Retard 20, Cilacar 5, Cilacar 10, Cilakar TM 50 અને Nicardia Retard 10 સહિતની શંકાસ્પદ દવાઓના નમૂના લેવામાં આવ્યા છે. વિવિધ પેઢીઓમાંથી અંદાજે રૂ. 1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં લખનઉથી અમદાવાદ અને ત્યારબાદ સાણંદ તથા સેટેલાઇટ સુધીની સપ્લાય ચેન સામે આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે. અમદાવાદ ઉપરાંત સુરત, ભાવનગર, નડિયાદ અને ભુજ સહિતના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરાઈ છે.તંત્ર દ્વારા ખરીદ-વેચાણના દસ્તાવેજોની ચકાસણી સહિતની તપાસ ચાલુ રાખવામાં આવી છે. તપાસનો વ્યાપ ઉત્પાદક સુધી લઈ જવામાં આવશે અને જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કાર્યવાહી સહિત કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




