અમદાવાદના દાણીલીમડાથી નારોલ તરફ જતા રોડ પર BRTS વર્કશોપ સ્ટેન્ડ નજીક આવેલા કોરિડોરમાં તારીખ 30 નાંરોજ રાતે રસ્તો ક્રોસ કરી રહેલા 55 વર્ષીય આધેડને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દીધી હતી. ગંભીર ઇજા પામેલા આધેડનું બીજા દિવસે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પુત્રએ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, દાણીલીમડા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય જમલુદ્દીન ઇદ્રીશી પીપળજ સ્થિત કુમાર કોટન કંપનીમાં નોકરી કરતા હતા.
તેમનો પુત્ર ખુશનુર ઇદ્રીશી દાણીલીમડામાં કાપડનું કામ કરે છે. તે રાતે જમલુદ્દીન તેમના પુત્રને મળવા આવ્યા હતા અને ત્યારબાદ પરત પોતાની રૂમ પર જવા નીકળ્યા હતા. બીજા દિવસે પિતાએ વારંવાર કોલ કરવા છતાં રિસીવ ન કરતાં પુત્ર તેમની શોધખોળ માટે નીકળ્યો હતો. પૂછપરછ કરતાં માલૂમ પડ્યું હતું કે, રાતે BRTS વર્કશોપ સ્ટેન્ડ પાસે આવેલા BRTS કોરિડોરમાંથી રસ્તો ક્રોસ કરતી વખતે એક અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.
આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્ત જમલુદ્દીનને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બીજા દિવસે સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે કે-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)




