Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નાઇજીરિયન વાયુસેનાનું એક સૈન્ય વિમાન અનિયંત્રિત થઈને જમીનદોસ્ત થયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પશ્ચિમ આફ્રિકન દેશ નાઇજીરિયામાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઓંડો રાજ્યમાં નાઇજીરિયન વાયુસેનાનું એક સૈન્ય વિમાન અનિયંત્રિત થઈને જમીનદોસ્ત થયું છે. આ ભયાનક વિમાન હોનારતમાં સવાર તમામ 32 લોકોના મોત થયા હોવાની આશંકા છે, જેમાં કોઈ પણ વ્યક્તિ જીવિત બચ્યું હોવાની સંભાવના નહિવત્ છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ 32 લોકો સવાર હતા, જેમાં 25 સામાન્ય મુસાફરો અને 7 સૈન્ય ક્રૂ સભ્યોનો સમાવેશ થતો હતો.

નાઇજીરિયાના પ્રમુખ બોલા અહમદ ટિનુબુએ આ ભયાનક અકસ્માતની સત્તાવાર પુષ્ટિ કરી છે અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. બનાવની વિગત એવી છે કે, નાઇજીરિયન વાયુસેનાનું ATR-42 મોડેલનું વિમાન બેનિન સિટીથી લાગોસ તરફ પોતાના નિયમિત મિશન પર ઉડાન ભરી રહ્યું હતું. આ કોઈ વિશેષ ઇમરજન્સી કે ઓપરેશનલ ફ્લાઇટ નહોતી પરંતુ રોજિંદી સામાન્ય સૈન્ય સફર હતી. ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં અચાનક એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને ક્ષણભરમાં પ્લેન ઓંડો રાજ્યના ઇગ્બોકોડા વિસ્તારમાં તૂટી પડ્યું હતું.

નાઇજીરિયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કીયામોએ ઘટનાની વિગતો આપતાં જણાવ્યું કે, એર ટ્રાફિક કંટ્રોલે ગતરોજ સવારે વિમાન સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. ત્યારબાદ વિમાન ક્રેશ થયાની પુષ્ટિ થઈ હતી. પ્લેનનો કાટમાળ કોસ્ટલ વિસ્તાર પાસે મળી આવ્યો હતો. ત્યારબાદ તાબડતોબ બચાવ ટુકડીઓ દોડી ગઈ હતી અને બોટની મદદથી પાણી અને કાંઠાના વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રમુખ બોલા અહમદ ટિનુબુએ વાયુસેનાને તાત્કાલિક અસરથી સમગ્ર અકસ્માતની નિષ્પક્ષ તપાસ શરૂ કરવાનો કડક આદેશ આપ્યો છે, જેથી કયા ટેકનિકલ કે હવામાન સંબંધિત કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તે જાણી શકાય અને ભવિષ્યમાં આવા જીવલેણ બનાવોને અટકાવી શકાય.(સૌજન્ય)